ગુગલ મેપથી ઝાંડી ઝાંખરા વિસ્તારમાં મકાનો સર્ચ કરી ચોરી કરતા બે આરોપીઓ ઝડપાયા

339

(જી.એન.એસ.)સુરત,તા.૨૭
સુરતના ઝાડી ઝાંખરા વિસ્તારની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાઓની રેકી કર્યા બાદ રાત્રીના સુમારે ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજય બંગાળી ગેંગના અગાઉ પાંચ સાગરિતોની ધરપકડ કર્યા બાદ વધુ બે સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા છે. એસીપી આર.આર. સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જે અંતર્ગત મળેલી બાતમીના આધારે રાત્રીના ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય બંગાળી ગેંગના નાસતા ફરી રહેલા બે વ્યક્તિને પોલીસે મુંબઈ ખાતેથી મૂળ પશ્ચિમ બંગાળના રાજુ મોહમકેનાલ અને રફીક ઉર્ફે મીથુન ઉર્ફ લીટોન માઝીદ શેખને ઝડપી પાડ્યા હતા. આ પહેલા બંગાળી ગેંગના પાંચ સાગરિતો જાન્યુઆરી મહિનામાં પકડાયા હતા અને તેમની પાસેથી રોકડા ૫ હજાર, મોબાઈલ નંગ-૬, બે કાંડા ઘડિયાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા ૪૩ હજારની કીમતની મત્તા કબજે કરી હતી અને ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી રહેતા હતા. બપોરે બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કરતા હતા. ઝાડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યે બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાના લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસની પૂછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસની પૂછપરછમાં ગેંગમાં ૧૦થી ૧૨ જણા હોવા સાથે ૨૦૧૬થી ચોરી કરતાં હોવાનું ખૂલ્યું હતું. અત્યાર સુધીમાં ૪૪ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.