ગુજરાતના અમરેલીમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૃ થશે

410

(જી.એન.એસ.)અમરેલી,તા.૩૧
દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં હવે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું પણ નિર્માણ થશે. ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં અમરેલી નજીક નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિયેશન વિભાગે ખાનગી કંપની એરોફ્રેયર ઇન્ક સાથે ૧૫૦ કરોડના એમઓયુ કર્યા છે. જેના પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂર્ણ થાય એવી શક્યતા છે. ત્યાર બાદ કંપની દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મૂકવામાં આવશે. કંપની દ્વારા પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડ રૂપિયા અને ત્યાર બાદ ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. કંપની દ્વારા ૨ સીટર, ૪ સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.