સુપર ડાન્સર શોના મેકર્સે રવિના ટંડનનો સંપર્ક કર્યો

277

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૩૧
અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ૧૯ જુલાઈએ ધરપકડ થઈ છે. આ કેસમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. રાજ કુંદ્રાના આ કાંડને કારણે શિલ્પા શેટ્ટી પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પતિના કારણે શિલ્પા શેટ્ટીને કેટલાક પ્રોજેક્ટ ગુમાવા પડ્યા છે. શિલ્પા શેટ્ટી ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪’માં જજ તરીકે જોવા મળતી હતી પરંતુ રાજ કુંદ્રાની ધરપકડ થઈ ત્યારથી તે શોમાંથી ગાયબ છે. હવે અટકળો ચાલી રહી છે કે, સુપર ડાન્સર ચેપ્ટર ૪ના મેકર્સે શિલ્પા શેટ્ટીનું સ્થાન લેવા બોલિવુડ એક્ટ્રેસ રવિના ટંડનનો સંપર્ક કર્યો છે. જોકે, રવિના ટંડને શોના મેકર્સને ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રવિનાએ કહ્યું કે, આ શો હંમેશાથી શિલ્પા કરતી આવી છે અને તેમ જ રહે તેવું ઈચ્છું છું. રવિના ટંડન હાલ દેશની બહાર છે અને ઓગસ્ટના પહેલા અઠવાડિયે પાછી ફરશે. જણાવી દઈએ કે, રિયાલિટી શોઝમાં રવિના ખાસ્સી પોપ્યુલર છે અને આ જ કારણકે છે કે તે શોના મેકર્સની પ્રથમ પસંદ હતી. હાલ શિલ્પા શેટ્ટી શૂટિંગ નથી કરી રહી ત્યારે સુપર ડાન્સર ચેપ્ટર ૪’ના મેકર્સ તેના બદલે દર અઠવાડિયે અલગ-અલગ કલાકારોને ગેસ્ટ તરીકે બોલાવી રહ્યા છે. ગત સપ્તાહે કરિશ્મા કપૂર ગેસ્ટ જજ તરીકે આવી હતી ત્યારે આ અઠવાડિયે શાદી સ્પેશિયલ એપિસોડ પ્રસારિત થશે. જેમાં રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે શોનો મહેમાન બનશે. ત્યારબાદ આવતા અઠવાડિયે વીતેલા જમાના અભિનેત્રી મૌશમી ચેટર્જી અને સોનાલી બેન્દ્રે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવશે. શો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, શિલ્પા શેટ્ટી આ શોનો ભાગ છે અને અમને આશા છે કે તે જલદી જ પાછી ફરશે. ત્યાં સુધી ગીતા કપૂર અને અનુરાગ બાસુ સ્પેશિયલ ગેસ્ટ સાથે મળીને શોના જજની ખુરશી સંભાળશે. રાજ કુંદ્રાની ધરપકડ બાદથી શિલ્પાએ આ શોમાંથી બ્રેક લઈ લીધો છે અને આગામી થોડા અઠવાડિયાઓ સુધી શિલ્પા શૂટિંગ શરૂ કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં પોલીસે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. શિલ્પા રાજની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર પદે હતી પરંતુ ગયા વર્ષે તેણે રાજીનામું આપી દીધું હતું. ત્યારે પોર્ન કેસમાં શિલ્પાની ભૂમિકા છે કે કેમ તે પોલીસ તપાસી રહી છે. મુંબઈ પોલીસે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેમણે શિલ્પાને ક્લિનચીટ આપી નથી.