સંસદમાં મડાગાંઠના કારણે કરદાતાઓના ૧૩૩ કરોડ રૂપિયા વેડફાયા

743

રાજ્યસભા ૨૧% જ્યારે લોકસભા નક્કી સમય કરતા માત્ર ૧૩% ચાલી
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧
સંસદના ચોમાસુ સત્રમાં પેગાસસ જાસૂસી કાંડને લઈને બંને ગૃહમાં હોબાળો યથાવત છે. આ હોબાળાના કારણે બંને ગૃહમાં સત્રના પહેલા ૨ અઠવાડિયામાં ૮૫ ટકાથી વધારે કામના કલાકો બરબાદ થઈ ચૂક્યા છે. આવામાં કામકાજની દ્રષ્ટીએ આ સત્ર ઓછું ઉપયોગી થયું. છેલ્લા ૨ અઠવાડિયામાં ૧૦૭ કલાકમાંથી સંસદમાં ફક્ત ૧૮ કલાક જ કાર્યવાહી ચાલી છે. પેગાસસ મામલે ચર્ચા અને તપાસની વિપક્ષની માંગ પર હોબાળાના કારણે ૮૯ કલાક બરબાદ થયા. સરકારી સૂત્રો પ્રમાણે આ પ્રક્રિયામાં અત્યાર સુધી ૧૩૩ કરોડ રૂપિયા બરાબર થઈ ચૂક્યા છે. અત્યારે હોબાળો ઓછો થાય તેના અણસાર પણ જોવા મળી રહ્યા નથી. આનું કારણ છે કે વિપક્ષ એક એવા વિષય પર ચર્ચા કરવા જીદે ચડ્યું છે જેને સરકાર મુદ્દો જ નથી માની રહી. ૧૯ જુલાઈના ચોમાસુ સત્ર શરૂ થયા બાદથી લોકસભાના સંભવિત ૫૪માંથી લગભગ ૭ કલાકમાં કામ થયું છે. તો રાજ્યસભામાં સભવિત ૫૩ કલાકમાંથી ૧૧ કલાક કાર્યવાહી ચાલી છે. વિપક્ષે એ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે સરકાર પેગાસસ વિવાદ પર ચર્ચા કરવાની તેમની માંગ માની લેશે ત્યારે ગૃહની કાર્યવાહી કોઈપણ અડચણ વગર ચાલી શકશે. જો કે સરકારે કહ્યું છે કે, કોવિડ-૧૯ સંકટ જેવા મુદ્દા વધારે મહત્વના છે. પેગાસસ વિવાદ કાલ્પનિક અને બિનજરૂરી મુદ્દો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ પણ કહ્યું હતું કે, વિપક્ષી દળ પેગાસસ વિવાદ પર આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી વધુ જાણકારી માંગી શકે છે. લોકસભાએ અત્યાર સુધી ૫ બિલ પસાર કર્યા છે. આ બિલ પર ચર્ચા કરવામાં કુલ ૪૪ મિનિટનો સમય લાગ્યો. રાજ્યસભાએ આ સત્રમાં અત્યાર સુધી કુલ ૩ બિલ પસાર કર્યા છે. આમાં કુલ સમય એક કલાકથી થોડોક વધારે રહ્યો. ઉલ્લેખનીય છે કે વર્તમાન સત્રમાં ચાલી રહેલા હોબાળાથી વિપરીત આ વર્ષે બજેટ સત્રમાં રેકૉર્ડ પ્રોડક્ટિવિટી જોવા મળી હતી, જેમાં લોકસભાની પ્રોડક્ટિવિટી ૧૧૦% હતી, જ્યારે રાજ્યસભા માટે આ ૯૦% હતી.

Previous articleજેની આંખમાં કમળો હોય તેને બધુ પીળું જ દેખાયઃ કોંગ્રેસ પર વરસ્યા રૂપાણી
Next articleઅફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર તાલિબાનનો રોકેટ હુમલોઃ તમામ ફ્લાઇટ્‌સ રદ્દ