પાકિસ્તાનની નફ્ફટાઈઃ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવા કાયદો નક્કી કયો

200

ભારતના વિરોધ વચ્ચે પણ પાક. સત્તાધીશોએ આ ક્ષેત્ર માટે પોતાના બંધારણમાં સંશોધનની તૈયારી આરંભી
(જી.એન.એસ.)ઇસ્લામાબાદ,તા.૧
પાકિસ્તાને વધુ એક વખત ભારત વિરુદ્ધ આડોડાઈ કરતા પાક. સત્તાધીશોએ ગિલગિટ-બાલ્ટિસ્તાને પોતાના કામચલાઉ પ્રાંતનો દરજ્જો આપવા માટે કાયદો નક્કી કર્યો છે તેમજ તો અમલ કરવાની તૈયારી કરી હોવાના અહેવાલ મળ્યા છે. ભારતે અગાઉ પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર પ્રદેશ ભારતનો કાયદાકીય રીતે અફર અભિન્ન હિસ્સો છે. આ વિસ્તારને ગેરકાયદે તેમજ બળપૂર્વક પચાવીને તેના પર અધિકાર જમાવવાનો પાકિસ્તાન સરકાર કે તેની ન્યાયપ્રણાલીને કોઈ અધિકાર રહેતો નથી તેવું ભારતે અગાઉ જણાવ્યું હતું. પાકિસ્તાનના ડોન અખબારના અહેવાલ મુજબ, ન્યાય અને કાયદા મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત કાયદા અંતર્ગત ગિલગિટ-બાલ્ટિસ્તાનની સુપ્રીમ એપેલેટ કોર્ટને નાબૂદ કરીને ક્ષેત્રના ચૂંટણી પંચને પાકિસ્તાન ચૂંટણી પંચ સાથે મર્જ કરી દેવામાં આવશે. કાયદા મંત્રાલયના સૂત્રોના મતે ૨૬માં બંધારણીય સંશોધન ખરડાના શિર્ષકથી ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેને વડાપ્રધાન ઈમરાન ખાન સમક્ષ રજૂ કરાયું છે. વડાપ્રધાને જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગિલગિલટ-બાલ્ટિસ્તાન માટે કોયદો ઘડવાનું કામ કાયદા મંત્રીને સોંપ્યું હતું. કાયદા મંત્રાલયના સૂત્રોના મતે પાકિસ્તાને આંતરાષ્ટ્ર્યી કાયદા, કાશ્મીર અંગે લોકમતના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અને પાકિસ્તાનના બંધારણનો અભ્યાસ કર્યા બાદ ડ્રાફ્ટ બિલ તૈયાર કર્યું છે. આ ડ્રાફ્ટ બિલ તૈયાર કરવા માટે ગિલ્ગિટ-બાલ્ટિસ્તાન તેમજ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના હિસ્સેદારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રસ્તાવિત કાયદામાં જણાવ્યું છે કે આ ક્ષેત્ર સાથે જોડાયેલી સંવેદનશીલતાને લીધે તેને કામચલાઉ પ્રાંતનો દરજ્જો આપવામાં આવશે. આ માટે પાકિસ્તાન બંધારણના અનુચ્છેદ ૧, જે પ્રાંત અને હદોને લઈને છે તેમાં સંશોધન કરશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદાને લઈને કાશ્મીર મુદ્દા પર પ્રતિકૂળ અસર નહીં પડે. ગિલ્ગિટ-બાલ્ટિસ્તાન ભૌગોલિક રીતે ઘણું મહત્વ ધરાવે છે. આ ક્ષેત્રમાં ચાઈના-પાકિસ્તાન આર્થિક કોરિડોર આવેલો હોવાથી તે ઘોરી નસ સમાન છે. જો કે ભારતે અગાઉ પણ સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે, આ ક્ષેત્ર ભારતનો અભિન્ન ભાગ છે જેમાં કોઈપણ દખલગીરી સાખી લેવાશે નહીં.