ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવ સિંગતેલ કરતાં વધારે નોંધાયા

820

રાજકોટ,તા.૬
મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે જેમાં પેટ્રોલ-ડીઝલ, શાકભાજી સહિત તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ખૂબ જ વધી રહ્યા છે. તહેવારો નજીક છે ત્યારે તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જોકે આ વચ્ચે ચોંકવાનારી વિગત તો એ સામે આવી છે કે ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવની સાઈડ કાપી છે અને રુ.૧૦ ઉંચા ભાવે સોદા થયા હતા. એક સમયે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે વિમાસણ સર્જાઈ છે. કપાસિયા તેલમાં ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે તો સાથે જ ફરસાણના ભાવોમાં પણ હવે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે. જેની સાથે જ રક્ષાબંધન, સાતમ આઠમ અને દિવાળી જેવા તહેવારો પણ ખૂબ જ નજીક છે. આવા સમયે લોકો ઘરમાં ફરસાણ અને મિસ્ટાન બનાવે છે અથવા તો બહારથી ખરીદી કરતા હોય છે. ત્યારે આ સમયે કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેને કારણે મોંઘવારીનો વધુ એક માર લોકોને સહન કરવાનો વારો આવી ચૂક્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવની વાત કરીએ તો રાજકોટમાં આજે ૧૫ કિલો સિંગતેલ નવા ડબ્બાના સોદા રુ.૨૪૩૫થી મહત્તમ રુ. ૨૪૮૫ના ભાવે થયા હતા. ગઈકાલે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા. જ્યારે ગઈકાલે રુ. ૨૪૩૫થી ૨૪૬૫ વચ્ચે વેચાયેલ કપાસિયા તેલમાં આજે રુ.૧૦નો વધારો થતાં આજે કપાસિયા તેલના ડબ્બાના રુ. ૨૪૫૫-૨૪૮૫ના ભાવે સોદા થયા હતા.