મુંબઇ લોકલ ટ્રેનસેવાની શરુઆત ૧૫ ઓગસ્ટથી થશેઃ મુખ્યમંત્રીની જાહેરાત

221

મુંબઇ,તા.૯
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનસેવાની શરૂઆત ૧૫ ઓગસ્ટથી થશે. જોકે લોકલ ટ્રેનમાં તે જ લોકોને મુસાફરી કરવાની અનુમતિ હશે, જેમણે કોરોના વાઈરસની રસીના બંને ડોઝ લીધા હશે. ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનમાં યાત્રા કરવા માટે એક પેસેન્જર પાસ જરૂરી હશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પેસેન્જર મોબાઈલ એપના માધ્યમથી ટ્રેનનો પાસ ડાઉનલોડ કરી શકાશે. એવા લોકો, જેમની પાસે સ્માર્ટફોન નથી તેઓ શહેરમાં સ્થિત મ્યુનિસિપલ વોર્ડ કાર્યાલયોમાંથી કે ઉપનગરી રેલવે સ્ટેશનમાંથી ફોટો પાસ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાના સવાલ પર ગુરુવારે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવેએ કહ્યું હતું કે જો રાજ્ય સરકાર આ સંબંધમાં પ્રસ્તાવ આપે છે તો વિચાર કરવામાં આવી શકે છે. પુણે જિલ્લામાં નવ ઓગસ્ટથી રેસ્ટોરાં ૫૦ ટકા ક્ષમતાની સાથે રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જ્યારે દુકાનો રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રવિવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પુણે અને પિંપરી ચિંચવાડમાં મોલ રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે એમાં એ લોકોને જ પ્રવેશની પરવાનગી આપવામાં આવશે, જેમણે કોવિડ-૧૯ની બંને રસી લીધી છે.

Previous articleવડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને નવમો હપ્તો જાહેર કર્યો
Next articleઅફઘાનિસ્તાનમાં તાલિબાને ટાઇટ કપડાં પહેરનાર છોકરીને જાહેરમાં ગોળી મારી