ડો. સૌમ્યા સ્વામીનાથને શાળા ખોલવાની અપીલ કરી

233

સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને વયસ્કોના વેક્સિનેશન સાથે શાળાઓ ખોલવાની પ્રાથમિકતા હોવી જોઈએ
નવી દિલ્હી, તા.૧૧
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથનેએ એક નિવેદન જારી કરીને શાળાઓ ખોલવાની અપીલ કરી છે. હકીકતમાં કોરોના કેસને જોતા પાછલા વર્ષે માર્ચ મહિનામાં શાળાઓ બંધ કરવામાં આવી છે. તો સૌમ્યાએ કહ્યુ કે, બાળકોના માનસિક, શારીરિક અને શીખવાની ક્ષમતા પર વધુ પ્રભાવ પડશે. તમને જણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. તો આ સમયે અનેક રાજ્યની શાળાઓમાં તાળા લાગેલા છે. તેવામાં સ્વામીનાથને ટિ્‌વટર હેન્ડલ પર કહ્યું કે, શાળાઓ બંધ હોવાને કારણે બાળકોના માનસિક, શારીરિક અને શીખવાની ક્ષમતા પર લાંબા સમય સુધી અસર રહેશે. તેમણે આગળ કહ્યું કે, આ સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને વયસ્કોના વેક્સિનેશન સાથે શાળાઓ ખોલવાની પ્રાથમિકતા હોવી જોઈએ. સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકાર પણ શાળાઓ બીજીવાર ખોલવા પર વિચાર કરી રહી છે. દેશના શિક્ષકોના વેક્સિનેશન પ્રક્રિયા પર ખુબ વાતચીત જોવા મળી રહી છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે દેશભરની ખાનગી હોસ્પિટલમાં તેમનું ફ્રી રસીકરણ થાય. સાથે પાછલા મહિને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે બાળકો માટે રસીકરણ અભિયાનને જલદી શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાની સ્થિતિ હજુ ચિંતાજનક બનેલી છે. બીજી લહેર ભલે ધીમી પડી હોય પરંતુ દેશમાં ૨૫ હજારથી વધુ નવા કેસ સતત સામે આવી રહ્યાં છે. આ સિવાય કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. તો ડોક્ટર અને નિષ્ણાંતો પ્રમાણે ત્રીજી લહેર આવવામાં હવે વધુ સમય નથી.

Previous articleઅમેરિકા-બ્રિટનમાં બાળકોમાં સંક્રમણ વધતાં ભારત ચિંતિત
Next articleરાષ્ટ્રહિતમાં સરકાર મોટું જોખમ ઊઠાવવા પણ તૈયાર