શહેરમાં ૧૩ પોલીસ ચોકી, ૧૧ ચેક પોઇન્ટ ખોલાયા

599
gandhi25422018-4.jpg

ગાંધીનગર શહેરનાં સેકટરો તથા ન્યુ ગાંધીનગર તરીકે ઓળખાતા સરગાસણ તથા કુડાસણની સોસાયટીઓમાં ચોરીનાં બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન, સેકટર ૭ પોલીસ સ્ટેશન તથા સેકટર ૨૧ પોલીસ સ્ટેશનની હદમાં જુની ચોકીઓને કાર્યરત કરવા સાથે કુલ ૧૩ પોલીસ ચોકીઓને સોમવારે ખુલ્લી મુકવામાં આવી છે.
જેમાં સેકટર ૪ની નવી પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા નાગરીકોની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ અને પાટનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને વધુ મજબુત કરવાની વાત કરી હતી. દરેક પોલીસ ચોકીને ૧૨થી ૧૫ પોલીસનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. 
ગાંધીનગર એસપી વિરેન્દ્રસિંહ યાદવે નવી પોલીસ ચોકીઓ ખોલવા અંગે જણાવ્યુ હતુ કે ગાંધીનગર પાટનગર હોવાથી કાયદો અને વ્યસ્થાની દ્રષ્ટીએ સુરક્ષીત રાખવા પોલીસ તમામ પ્રયત્નો કરી રહી છે. 
ગાંધીનગર શહેર તથા આસપાસનાં વિસ્તારો સતત વિકસી રહ્યા છે, વસ્તી વધી રહી છે, તેની સાથે પોલીસની જવાબદારી તથા કામગીરી પણ વધી રહી છે. શહેરમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા વધુ મજબુત વ્યવસ્થા ઉભી કરવા આ ચોકીઓ ખોલવામાં આવી છે. દરેક ચોકીને પર એક પીએસઆઇ કક્ષાનાં અધિકારી તથા ૧૨થી ૧૫ પોલીસનો સ્ટાફ આપવામાં આવ્યો છે અને રાત્રે સ્થાનિક વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ રહેશે. 
રાત્રીનાં ૧૨ થી સવારનાં ૫ દરમિયાન ચોરી વધુ થાય છે. સેકટર ૪ની ચોકીનું એસપી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઉદઘાટન કરાયુ હતુ, કુલ ૧૩ ચોકીને કાર્યરત કરવામાં આવી છે. 
ચોરીના બનાવો મોટા ભાગે રાત્રીનાં ૧૨ વાગ્યાથી સવારનાં ૫ વાગ્યા દરમિયાન બનતા હોય છે અને તસ્કરો ગણતરીની મિનીટોમાં ભાગી જતા હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન સઘન વાહન ચેકીંગ થાય તે માટે સરગાસણ-અમદાવાદ હાઇ-વે, રીલાયન્સ ચોકડી,કોબા સર્કલ, વિમાન સર્કલથી ચિલોડા માર્ગ, ચરેડી ફાટક, રાંધેજા ચોકડી, વાવોલથી પુન્દ્રાસણ રોડ, કોલવડા રોડ, કુડાસણ-પોર માર્ગ, ચ-૦થી ગાંધીનગર તરફના માર્ગ તથા ચ-૦થી અમદાવાદ તરફ જતા માર્ગ પર તંબુ તાણીને હથીયાર ધારી એસઆરપી સાથેનાં વાહન ચેકીંગ પોઇન્ટ ઉભા કરાયા છે. 

કયા પોલીસ સ્ટેશનની હદમાં કયાં ચોકીઓ ખોલાઇ 
સેકટર ૭ પોલીસ સ્ટેશનની હદમાં સે-૮, સેકટર ૨, સેકટર ૧૩, વાવોલ તથા સરગાસણ ચોકડી ખાતે, સે-૨૧ પોલીસ સ્ટેશનની હદમાં સે ૨૪, સેકટર ૨૯, સેક ૨૦ તથા સેક ૧૭ ખાતે તેમજ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદમાં ઇન્ફોસીટી કોમર્શીયલ ઝોનમાં, ફનવર્લ્ડ ચોકી, કુડાસણ તથા રાયસણ.

Previous articleપરિણીત યુવાનને થયો સગીરા સાથે પ્રેમ, મિલન શક્ય ન બનતા કર્યું મોતને વ્હાલું
Next articleસરકારનો ફતવો, ભાડુઆત ગરીબોને RTEનો લાભ નહીં