રાજ્યમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદની આગાહી

128

હવામાન વિભાગે આગાહી કરી : ઓછા વરસાદથી અનેક વિસ્તારોમાં સિંચાઈ જ નહીં પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિ
અમદાવાદ,તા.૩૧
રાજ્યના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોએ થોડો રાહતનો દમ લીધો છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. વરસાદ નહીં થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. તેમજ વરસાદ ન પડવાથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. તેવામાં હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને ૧થી ૩ ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. સૌરષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહયો છે ત્યારે આજે સોમવારથી સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થાય તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. સોમવારે જન્માષ્ટમીથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં સુસ્ત રહેલું ચોમાસુ ફરી સક્રિય થવાના સંજોગો આજે વધુ ઉજળા બન્યા છે. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલથી વરસાદની ગતિવિધિઓ ખાસ કરીને દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં વધશે અને તા.૩૧ અને ૧ સપ્ટેમ્બર એટલે કે મંગળવાર અને બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર પવન વંટોળિયા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં ૧૨૦ મિમી, જુલાઈમાં ૧૭૭ મિમી અને ઓગસ્ટમાં ૫૪ મિમી મળીને કુલ ૩૫૨ મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં ૮૪૦ મિમી વરસાદની સામે માંડ ૪૨ ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના ૧૨ જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર ૧૪ ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ ૫૮ ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વખતે ઓગસ્ટના ૨૮ દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે ૨૨ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વર્ષ-૨૦૧૯માં પણ ૧૭.૨૯ ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. રાજ્યમાં ૩૧મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ૩ થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

Previous articleનિષાદ કુમારે ટોક્યો પેરાઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર, ભારતને અપાવ્યો બીજો મેડલ
Next articleઉમરગામમાં આભ ફાટ્યું, ૧૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ પડ્યો