માંડવિયા ઓળખ બદલી સારવાર માટે પહોંચ્યા

124

હોસ્પિટલની વ્યવસ્થાથી પ્રભાવિત થયા, ત્યાર બાદ સારવાર કરનાર ડોક્ટરને બોલાવી મંત્રાલયમાં સન્માનિત કર્યા
નવી દિલ્હી,તા.૩
કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક્શનમાં છે અને સતત અધિકારીઓની સાથે સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી ૩૧ ઓગસ્ટની રાત્રે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં ઓળખ બદલ્યા બાદ સારવાર કરાવવા પહોંચ્યા અને હોસ્પિટલની વ્યવસ્થાથી ઘણા પ્રભાવિત થયા છે. ત્યારબાદ તેમણે સારવાર કરનાર ડોક્ટરને બોલાવી મંત્રાલયમાં સન્માનિત કર્યા. મનસુખ માંડવિયાએ ટિ્‌વટ કરી કહ્યું, સીજીએચએસ સેવાની સિસ્ટમને ચકાસવા માટે હું એક સામાન્ય દર્દી બની દિલ્હીની એક ડિસ્પેન્સરીમાં ગયો. મને ખુશી છે કે ત્યાં કામ કરતા ડોક્ટર અરવિંદ કુમારજીની ડ્યૂટી પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને તેમની સેવાની ભાવના પ્રેરણાદાયી છે. પોતાના કાર્ય પ્રત્યે તેમના સમર્પણની હું પ્રશંસા કરું છું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સારવાર કરનાર ડોક્ટર અરવિંદ કુમારને બીજા દિવસે મંત્રાલયમાં બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું. ડોક્ટરને લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તમારી નમ્રતા, કુશળતા અને કામ પ્રત્યેનું સમર્પણ દેશભરના તમામ ડોકટરો માટે પ્રેરણા છે. પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીએ લખ્યું, જો દેશના તમામ સીજીએચએસ ડોક્ટરો, અન્ય ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમની પાસે આવતા દર્દીઓની સમાન સંવેદનશીલતા સાથે સારવાર કરે, તો આપણે સાથે મળીને પ્રધાનમંત્રી મોદીનું ’સ્વસ્થ ભારત’નું સ્વપ્ન પૂરું કરી શકીશું. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાતચીત કરી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ટીબીને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલા મહત્વના કામમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બેઠકમાં છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવ, બિહારથી મંગલ પાંડે, હરિયાણાથી અનિલ વિજ, દિલ્હીથી સત્યેન્દ્ર જૈન, મહારાષ્ટ્રમાંથી રાજેશ ટોપે અને અન્ય રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓએ ભાગ લીધો હતો. ટીબીને નાબૂદ કરવા માટે, સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને નિયમિત વાતચીત કરવાનું સૂચન કર્યું જેથી આ દિશામાં થઈ રહેલા કામની ચર્ચા થઈ શકે.

Previous articleકેરળ બાદ મુંબઈમાં પણ કોરોનાના કેસમાં વધારો
Next articleવેક્સિનના બે ડોઝ લેનારમાં લોન્ગ કોવિડની સંભાવના ૫૦ ટકા ઓછી