નીતિન પટેલથી મુખ્યમંત્રી પદ ફરી વેંત છેટું રહી ગયું

103

અમદાવાદ, તા.૧૨
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીના નામને લઈને ઘણી બધી અટકળો વચ્ચે ભાજપે ફરી બધાને ચોંકાવ્યા હતા અને અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જ્યારેથી રૂપાણીએ રાજીનામુ આપ્યું હતું ત્યારથી રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકે કોઈ પાટીદાર ચહેરો મુકાશે તેવું ચર્ચાતું હતું. તેના માટે નીતિન પટેલનું નામ સૌથી ટોપ પર હતું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, પ્રફુલ્લ પટેલ, ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા વગેરેના નામ પણ ચર્ચામાં હતા. છેલ્લી ઘડીએ તો આરસી ફળદુનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. જોકે, બધાના નામો એકબાજુએ રહ્યા હતા અને એક નવું જ નામ જાહેર કરાયું છે. નીતિન પટેલથી ફરી મુખ્યમંત્રી પદ વેંત છેટું રહી ગયું છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર પાવર સામે ભાજપના હાઈકમાન્ડે નમતું જોખવુ પડ્યું છે તેમાં કોઈ બેમત નથી, પરંતુ પોતાની આદત મુજબ, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જોડીએ એક વખત બધાને ચોંકાવતા ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી પદે જાહેર થયું.
નીતિન પટેલનું નામ લગભગ ફાઈનલ જ હોવાનું છેક છેલ્લી ઘડી સુધી મનાતું હતું, પરંતુ તેમને ફરી વખત નિરાશા હાથ લાગી છે.
ગાંધીનગર ખાતે ભાજપના હેડ ક્વાર્ટર કમલમમાં મળેલી ભાજપની કોર કમિટીની બેઠક પછી જ્યારે નેતાઓ બહાર આવ્યા ત્યારે તેમની બોડી લેંગ્વેન્જ ઘણું કહી જતી હતી. જોકે, એ વખતે નીતિન પટેલ તદ્દન હળવા મૂડમાં જણાતા હતા. તેમને જોઈને જોઈને એવું મનાતું હતું કે, મુખ્યમંત્રી પદે તેમનું નામ લગભગ ફાઈનલ છે. પરંતુ તેમનું પત્તુ ફરી વખત કપાઈ ગયું.આ પહેલા જ્યારે પાટીદાર આંદોલન વખતે આનંદીબેને રાજીનામું આપ્યું ત્યારે પણ મુખ્યમંત્રી પદે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું. જોકે, ભાજપે એ વખતે પણ બધાને ચોંકાવતા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને નીતિન પટેલનું મુખ્યમંત્રી બનવાનું સપનું પૂરું થઈ શક્યું ન હતું.
એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારીમાં નબળી કામગીરી સામે પ્રજાનો રોષ ફેલાયો છે, ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે જ ઉભા થયેલા સત્તા વિરોધી જુવાળને ઠારવા માટે ભાજપ હાઈકમાન્ડ કઠોર પગલાં ભરી રહ્યું છે. જેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું તો રાજીનામું લઈ લેવામાં આવ્યું, પણ તેની સાથે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ એટલા જ જવાબદાર હોવાનું માની ભાજપ હાઈકમાન્ડ માની રહ્યું છે.

Previous articleગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ
Next articleભારતે તાલિબાનની સરકારને સમર્થન આપવાનું ઈનકાર કર્યો