ગાંધીનગર ,તા.૧૪
કોરોના મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી ૩ કરોડ ૩૨ લાખ ૮૯ હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી ૪ લાખ ૪૩ હજાર ૨૧૩ લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી ૩ કરોડ ૨૪ લાખ ૮૪ હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલાની સંખ્યા હાલમાં ૩,૬૨, ૨૦૭ છે.ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યનાં આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂને લંબાવવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢમાં હજુ ૨૫ સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. નોંધનીય છે કે નાઈટ કર્ફ્યૂનાં સમયને લઈને પણ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, આઠ મોટા શહેરોમાં રાત્રિનાં ૧૧થી સવારનાં છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨૫, ૪૦૪ નવા મામલા નોંધવામાં આવ્યા છે. જ્યારે ૩૩૯ કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. આ સમયમાં ૩૭, ૧૨૭ દર્દી સાજા થયા છે. આની પહેલા સોમવારે દેશમાં કોરોનાના ૨૭, ૨૫૪ મામલા સામે આવ્યા હતા. ૯ સપ્ટેમ્બર કોરોના મામલા સતત ઘટી રહ્યા છે અને કોરોના કેસમાં આવી રહ્યો છે ઘટાડાથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જો કે કેરળમાં કોરોનાનો આંકડો ચિંતાનું કારણ બની રહી છે.



















