સંચાલકો સુવિધાના નામે ફી વધારી શકે : સુપ્રીમ

743
guj2642018-11.jpg

ફી નિયમન બાબતે સુપ્રીમ કોર્ટે આજે વાલીઓને મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાનો આદેશ કરતા કહ્યું હતું કે શાળાના સંચાલકો સુવિધાના નામે વધારાની ફી લઈ શકે છે. સાથે જે કોર્ટે એવો પણ આદેશ કર્યો હતો કે રાજ્ય સરકારને ફી બાબતે કાયદો ઘડવાનો પૂરો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે એવું પણ સૂચન કર્યું હતું કે ફી નિયમન બાબતે શાળાના સંચાલકો અને સરકાર અરસપરસ ચર્ચા કરે. આ કેસની વધુ સુનાવણી જુલાઈના બીજા અઠવાડિયામાં હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે ૨૦૦૭માં રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા ફી નિયમન કાયદાની વિરુદ્ધ રાજ્યની સ્કૂલોના સંચાલકો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આ બાબતે આજે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો. અગાઉ બે વખત અંતિમ ચુકાદાની તારીખ નક્કી થયા બાદ રાજ્ય સરકારે સમય માંગતા અતિમ સુનાવણી માટે ૨૫મી એપ્રિલ તારીખ નક્કી કરવામાં આવી છે. ફી નિયમન બાબતે હાઈકોર્ટમાં હાર મળ્યા બાદ શાળાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. કોઈ પણ કાળે ચુકાદો પોતાના પક્ષે આવે તે માટે સ્કૂલના સંચાલકોએ કરોડોના ખર્ચે દેશના ખ્યાતનામ વકીલોની ફોજ રોકી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ તરફથી સરકારની નવી ફી કમિટી અને નવી ફી મર્યાદા નક્કી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત સરકાર સ્કૂલોની યાદીની સાથે સાથે ફીન વિગતો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકી હતી. ફી નિયમન કાયદા બાદ રચવામાં આવેલી ફી નિયમન કમિટિ દ્વારા અમદાવાદની વિવિધ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. આ ફી ખૂબ જ ઊંચી હોવાને કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  વાલી મંડળ તરફથી એવી રજુઆત કરવામાં આવી છે કે સ્કૂલોએ જેટલી ફી માંગી હતી તે ફી કમિટિએ મંજૂરી કરી દીધી છે. અમુક કેસમાં સ્કૂલની ફીમાં તોતિંગ વધારો મંજૂર કરી દેવામાં આવ્યો છે.
ફી નિયમન કાયદો લાગૂ થવા છતાં સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી જૂની ફી લેવાનો આગ્રાહ રાખ્યો હતો. આ બાબતે રાજ્ય સરકારનું વલણ વારંવાર બદલાયું હતું. એક સમયે શાળા સંચાલકોને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારનાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાણે શાળાના સંચાલકો સામે સરેન્ડર કરી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે.

ફી મુદ્દે રાજ્યભરમાં વાલીઓનો સરકાર સામે આક્રોશ : કોંગ્રેસનું સમર્થન
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ફીનો મુદ્દો દિવસેને દિવસે ગંભીર બનતો જાય છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. પહેલા તો સરકારે નત-નવા ફતવાઓ બહાર પાડીને સ્કૂલ સંચાલકો પર સકંજો કસ્યો હતો. પરંતુ જાણે એવું લાગે કે માત્ર દેખાવ કરવા માટે જ આ ફતવાઓ બહાર પાડવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને સુરત અને અમદાવાદના સ્કૂલ સંચાલકો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યાં છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જાણે એવું લાગે કે સ્કૂલ સંચાલકો સામે ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. અથવા તો સરકારે માની લીધું છે કે હવે આ મામલામાં અમારૂ કશું જ નહિં ચાલે. ત્યારે શિક્ષણમાં બેફામ ફી વધારાને કારણે રાજ્યભરના વાલીઓ ત્રાસી ગયા છે. અને સ્કૂલ માફિયા તેની મનમાની કરી રહ્યાં છે. જેને લઈને વાલીઓને રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમદાવાદ, મોરબી, રાજકોટ અને સુરતમાં ભાજપ સરકાર હાય હાયના નારા સાથે વાલીઓએ રેલી કાઢી હતી. અને સરકાર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

Previous articleબુલેટ ટ્રેન પ્રોજેકટને લઈને ખેડૂતો સાથે મિટીંગ તોફાની
Next articleઆનંદનગર ખાતે ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવાયા