દહેગામ નગરપાલિકાનો અંધેર વહીવટ રર ફૂટના રોડમાં ત્રણ લાઇન હોવા છતાં ચોથી ગટર લાઇન નંખાઇ

1082

દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલ ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે. આ રસ્તો દહેગામ નગરમાંથી ગાંધીનગર જવા માટે હતો. આ જૂના રસ્તાને ઔડા દ્વારા આશરે ર વર્ષ પહેલા લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. અંદાજિત ૧૦ વર્ષ સુધી આ રોડ ન બનતા લોકોને ખુબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અંતે ઔડા દ્વારા આ રોડને આર.સી.રોડ બનાવી આપવામાં આવ્યો હતો. પણ ગટર લાઇન નાખવા માટે આ રોડ અત્યારે તોડી પડાયો છે.

રોડ તૂટવાથી દહેગામમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ છે અને આ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો જે લારીઓ અને ટ્રેક્ટરના ફેરા મારી અને પોતાનું ગુજરાન ચલાવે છે તે લોકો પોતાના ઘર સુધી પણ પહોંચી નથી શકતા અને વરસાદના લીધે ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે અમે આ વિસ્તારમાં વર્ષોથી રહીએ છીએ અને આ જગ્યાએ પહેલા ખુલ્લી ગટર હતી તેમાં સફાઇ ન થવાને કારણે બુરાઇ ગઇ. ત્યારબાદ આર.સી.સી. ના ભૂંગળા નાંખ્યા પણ ગટર સરખી ન નાખવાના કારણે પાણીનો નિકાલ નો હતો થઇ રહ્યો.

મોટા ભૂંકાળા નાખવામાં આવ્યા હતા અને અત્યારે ફરી આ રોડ તોડી અને નાની પાઇપો નાખી છે  અમે તો કંટાળી ગયા છે.

દહેગામ નગરપાલિકાના એક કર્મચારીએ જણાવ્યું કે અંદાજે ૧૯૮૨ની સાલમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર દ્વારા દહેગામમાં ભૂગર્ભ ગટર લાઇન નાંખવામાં આવી હતી. જે તે સમયે આ ગટર લાઇનનું કામ પુર્ણ થયા બાદ ગટર લાઇન ના નકશા સહિત આ ગટર લાઇન નગરપાલિકાને સુપ્રત કરવામાં આવી હતા. ત્યારબાદ નગરપાલિકા દ્વારા દહેગામમાં અલગ અલગ વિસ્તારોમાં ગટરલાઇનો નાખવામાં આવી હતી. જેના કોઇ પણ નકશા હાલ નગરપાલિકા પાસે મોજુદ નથી જેના લીધે કઇ જગ્યાએ કઇ ગટર આવેલી છે અને ક્યાં ગટરની જરૃરિયાત છે ક્યાં નથી તે પણ સ્પષ્ટ પણે કહી શકાય તેમ નથી. કોઇ પણ નવી બોડી આવે તો તેના માટે અંધારામા તીર મારવા જેવો ઘાટ ઘડાય છે અને ગટર લાઇન હોવા છતાં પણ ત્યાં નવી ગટરોના કામ શરૃ કરવામાં આવે છે.

Previous articleકપાસનાં ફુલમાં ફુદા દ્વારા મુકાતા ઇંડામાંથી ઇયળ સીધી જ જીંડવામાં ઘુસી જાય છે
Next articleગાંધીનગર શહેર સહિત વાવોલ-ગોકુળપુરા માર્ગ પર ઢોરોથી પરેશાની