અનુસૂચિત જાતિ-સફાઇ કામદાર લાભાર્થીઓને રૂ.૭૫ કરોડથી વધુના સાધન-ચેક સહાય અપાઇ

1268
gandhi21102017-4.jpg

અનુસૂચિત જાતિના નાના ઉદ્યોગકારો માટે તેમના ઉત્પાદનના વેચાણ અર્થે બજાર ઉપલબ્ધ કરાવાશે, તેમજ સરકારના વિવિધ વિભાગો આ ઉદ્યોગકારો પાસેથી ૨૫ ટકા ઉત્પાદન ખરીદશે જેથી તેમને આર્થિક સહાય મળશે તેમ આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે અનુસૂચિત જાતિ તેમજ સફાઇ કામદારો માટેના સાધન-સહાય -ચેક વિતરણ સમારોહ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું. 
છેલ્લા ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ સહિત અન્ય પછાત વર્ગોના ૧.૫૦ લાખથી વધુ લાભાર્થીઓને સ્વરોજગારની તાલિમ આપી તૈયાર કર્યા છે. આ ઉપરાંત ૭.૫૦ લાખથી વધુ લાભાર્થીઓને રાહત દરે લોન સહાય આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સફાઇ કામદારોને તાલિમબદ્ધ કરી સ્વરોજગારી અપાઇ છે. કેન્દ્ર સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે સુગમ્ય ભારત જેવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગેહલોતે અનુરોધ કરીને ઉપસ્થિત સૌ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 
વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત વર્ષ ૨૦૦૩થી સમગ્ર દેશમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. વર્તમાન સરકારે જરૂરિયાત મંદને પુરેપુરી સહાય તેમના ઘર સુધી પહોંચાડી છે. ગુજરાતના યુવાનો માત્ર પોતાની નોકરી માટે નહિં પણ અન્યને નોકરી-રોજગારી આપી શકે તેવા સક્ષમ બને. કેન્દ્ર સરકારે આ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને મુદ્રા જેવી અનેકવિધ યોજના અમલી બનાવી છે, તેનો મહત્તમ લાભ લેવા અધ્યક્ષે સૌને અનુરોધ કર્યો હતો.  
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામભાઇ પરમારે કહ્યું હતું કે, સમાજને આર્થિક સદ્ધર અને પગભર બનાવવા સરકારે અનેક યોજનાઓ બનાવી છે. જેનો મહત્તમ લાભ લેવો જોઇએ. વર્તમાન સરકારે વિદેશ અભ્યાસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ૨૦ લાખની સહાય આપે છે. સરકારે આપને તમામ અધિકારો આપ્યા છે. રામાયણથી રચના વાલ્મિકીએ કરી હતી, જ્યારે બંધારણના ઘડતરમાં ડૉ. બાબા સાહેબની ભૂમિકા અગત્યની હતી. આ સમાજે દેશને અનેકવિધ રત્નો આપ્યા છે. વર્તમાન સરકારે શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો આપ્યા છે. વર્તમાન યુગ જ્ઞાનનો યુગ છે. આપણે શ્રેષ્ઠ શિક્ષણ લેવું પડશે તો જ જ્ઞાન મળશે. સમાજના યુવાનોને સાક્ષર બનીને વ્યસન મુક્ત બનવાનો પણ મંત્રીએ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા અમલી સીધા ધિરાણની યોજનાઓમાં આજે ૩૨૦ લાભાર્થીઓને રૂા.૧૩.૩૫ કરોડના ખર્ચે મારૂતિ સુઝીકી ઇકો, ૧૭૫ લાભાર્થીઓને રૂા.૧૪.૪૯ કરોડના ખર્ચે પેસેન્જર ફોર વ્હીલર, ૨૧૨૫ લાભાર્થીઓને ૩૧.૮૭ કરોડના ખર્ચે નાના પાયાની યોજના/પશુપાલન, ૯૫ લાભાર્થીઓને ૧.૪૩ કરોડના ખર્ચે થ્રી વ્હીલર, ૬૫ લાભાર્થીઓને ૦.૩૨ કરોડના ખર્ચે માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ, ૯૪૭ લાભાર્થીઓને ૪.૭૩ કરોડના ખર્ચે મહિલા સમૃદ્ધિ યોજના, ૦૨ લાભાર્થીઓને ૦.૧૮ કરોડના ખર્ચે  ટ્રેક્ટરની યોજના અને ૦૫ લાભાર્થીઓને ૦.૩૫ કરોડના ખર્ચે માલ વાહક ફોર વ્હીલરની યોજના હેઠળ એમ કુલ ૩૭૩૪ લાભાર્થીઓને રૂ.૬૬.૭૨ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું. 
    જ્યારે રાજ્યના ૨૫ જિલ્લાઓના ૬૪૭ સફાઇ કામદાર લાભાર્થીઓને સીધા ધિરાણ યોજના, પેસેન્જર ઓટો રીક્ષા, લોડીંગ ઓટો રીક્ષા, વ્યક્તિગત લોન યોજના, મહિલા સમૃદ્ધિ યોજના અને પેસેન્જર વાહન યોજના હેઠળ કુલ રૂા.૯.૯ કરોડની સહાય આપવામાં આવી. 
આ પ્રસંગે અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ઓનલાઇન વેબપોર્ટલનો પણ શુભારંભ કરાયો હતો.

Previous articleમાણસા ન.પા.ના કર્મચારીઓ આજથી ત્રણ દિવસની હડતાળ પર
Next articleધૂળ ઉડતા ખેડૂતોને થતા નુકશાન અંગે દુધાળાના ખેડૂતો દ્વારા હાઈવે ચક્કાજામ