રાહુલ પાંચમીથી ઝંઝાવતી પ્રચાર કરશે : તૈયારી જારી

665
guj4122017-8.jpg

સૌરાષ્ટ્રનો પ્રચાર કાર્યક્રમ પૂર્ણ કરી દિલ્હી પરત ફરેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રથમ તબક્કાના આખરી સમયમાં તા.૫થી ૭ ડિસેમ્બર દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આ ત્રણ દિવસમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં તેમ જ પ્રથમ તબક્કાની બાકી રહેલી વિધાનસભા બેઠકોના ક્ષેત્રોમાં પ્રચાર કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૫મી ડિસેમ્બરે બપોરે ૧૨-૩૦ વાગ્યે ગાંધીધામ એરપોર્ટ પર ઉતરાણ કરશે, જયાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ સીધા તેઓ અંજાર ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને ત્યાં વિશાળ જાહેરસભા સંબોધન કરશે. બપોરે ૨-૨૦ મિનિટે ગાંધીધામથી તેઓ હેલિકોપ્ટર મારફતે મોરબી જવા રવાના થશે અને ત્રણ વાગ્યે મોરબીમાં પાર્ક પાર્ટી પ્લોટ ખાતે જનસભા સંબોધશે. ચાર વાગ્યે તેઓ મોરબીથી સીધા ધ્રાંગધ્રા પહોંચશે. સાંજે ૪-૪૫ વાગ્યે ધ્રાંગધ્રા જનતા કોલન ફેકટરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. સાંજે ૫-૪૫ વાગ્યે ધ્રાંગધ્રાથી લક્ઝરી બસ મારફતે વઢવાણ પહોંચશે અને સાત વાગ્યે વઢવાણ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે વિશાળ જાહેરસભા સંબોધન કરશે અને સ્થાનિક લોકો તેમ જ મતદારોની સમસ્યાને વાચા આપશે. રાહુલ ગાંધી તા.૫મી ડિસેમ્બરની રાત્રિ સુરેન્દ્રનગર ખાતે જ રોકાણ કરશે. તાજેતરમાં સૌરાષ્ટ્રનો 
પ્રચાર કાર્યક્રમ પૂર્ણ કરી દિલ્હી પરત ફરેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસ દરમ્યાન તેમની ગુજરાત મુલાકાત અને પ્રચારસભાઓ તેમ જ લોકસંવાદ દરમ્યાન સ્થાનિક જનતા, મતદારો ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો અને યુવાઓની વ્યથા સાંભળશે. આ વખતે પણ રાહુલ ફરી એકવાર નોટબંધી, જીએસટી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઇને મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષના પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણી પ્રવાસ ખેડી જાહેરસભાઓ, લોકસંવાદ અને વન ટુ વન લોકોને મળી કોંગ્રેસ તરફી ભારે લોકજુવાળ ઉભો કર્યો છે.
આ વખતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને અભૂતપૂર્વ અને જબરદસ્ત પ્રતિસાદ અને સફળતા સાંપડયા હતા, તે તેમની જાહેરસભા અને રોડ શોમાં સ્વયંભુ ઉમટેલી જનમેદની પરથી જ સ્પષ્ટ થઇ જતું હતું. જેથી કોંગ્રેસે રાહુલ ગાંધીની વધતી જતી લોકપ્રિયતા અને ગુજરાતમાં તેમના પ્રચારની સફળતા બાદ ભાજપને પણ મોદી સહિતના મોટા સ્ટાર પ્રચારકો રણમેદાને ઉતારવા પડયા છે. તો બીજીબાજુ, ગુજરાતના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને નેતાઓ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને અને પ્રથમ તબક્કાની બાકી રહેલી વિધાનસભા બેઠકોના વિસ્તારમાં તેમના પ્રચાર અભિયાનને સફળ બનાવવામાં જોતરાઇ ગયા છે.

Previous articleગુસ્તાખી માફ
Next articleચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા