રાજ્યમાં દિવસેને દિવસે દારૂ ઝડપાવવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આજે મોરબીનાં હળવદ બાઇપાસ હાઇવે પર દારૂ ભરેલી કારનાં ચાલકે સ્ટિયરીંગ પરથી અચાનક કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવીને બીજી બાજુનાં રોડ પર પડી હતી. આ અકસ્માતની સાથે જ કારમાંથી દારૂની રેલમછેલ થઇ જતાં લોકો પણ દારૂની બોટલો લેવા પડાપડી કરી હતી. જોકે ડ્રાઇવર ઘટનાસ્થળે જ કાર મુકીને નાસી ગયો હતો. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવીનાં દેખાતા ફૂટેજ પ્રમાણે એક સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે હળવદ બાઇપાસ પરથી પસાર થઇ રહી હતી. અચાનક જ તે કાર ડિવાઇડર કુદાવીને બીજી બાજુનાં રોડ પર જતી રહી હતી. મળતી માહિતી પ્રમાણે આ કારમાં ૩૦૦ નંગ દારૂની બોટલો હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પહેલા તો ભેગા થયેલા ટોળાને વિખેરવો પડ્યો હતો. આ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. પોલીસે લોકોની પૂછપરછ અને સીસીટીવીનાં ફૂટેજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે


















