સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ ઓછી થાય એવા સમાચાર આવ્યાં છે.
કરતારપુર કૉરિડોરના ડ્રાફ્ટ સમજૂતિ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ ૧૪મી માર્ચે ભારત આવશે. એ પછી ભારતીય પ્રતિનિધિ મંડળ પણ ૨૮ માર્ચે ઇસ્લામાબાદ જશે.પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે આ વાતની પુષ્ટિ કરી અને આ નિર્ણયની જાણકારી આપવા માટે ભારતના કાર્યવાહક હાઇ કમિશનર ગૌરવ અહલુવાલિયાને વિદેશ મંત્રાલય બોલાવ્યાં હતાં.
પાકિસ્તાને શરત મૂકી હતી કે કરતારપુર કૉરિડોર મામલે તે પોતાનું પ્રતિનિધિ મંડળ તો જ મોકલશે જો ભારત ઇસ્લામાબાદમાં યોજાનારી આગામી મીટિંગમાં પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલે.
પુલવામા હુમલા અને ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ અત્યંત કડવાશભર્યા માહોલમાં ભારતે કહ્યું હતું કે તે કરતારપુર કૉરિડોર મામલે યોજાનારી મીટિંગ કેન્સલ નહીં કરે.



















