પુત્રએ ભૂલ કરી છે, નિયમ અનુસાર સજા થવી જોઇએ

749

ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કેસમાં ઝડપાયા બાદ ગુજરાતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બીજીબાજુ, મીતના પિતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આ સમગ્ર ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મારા દિકરાએ ભૂલ કરી છે અને યુનિવર્સિટીના નિયમો મુજબ તેને સજા થવી જોઇએ.

ભાવનગર યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષાઓમાં ભાવનગરની એક કોલેજમાંથી પરીક્ષા આપી રહેલા મીત વાઘાણી નકલ કરી રહ્યા હોવાના આરોપસર બ્લોક સુપરવાઇઝર દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. દરમ્યાન આ સમગ્ર ઘટના અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ અને મીતના પિતા એવા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં જે નિયમો હોય એ તમામ નિયમો મારા પરિવારને પણ લાગુ પડશે. મારા દીકરાએ ભૂલ કરી છે એવું હું માનું છું, યુનિવર્સિટીના નિયમ મુજબ એને સજા થવી જોઈએ. મારા પરિવારે નક્કી કર્યું છે કે, મારો દીકરો આજથી પેપર આપવા નહીં જાય. પત્રકાર પરિષદમાં પત્રકારોએ જીતુ વાઘાણીને પૂછ્યું હતું કે યુનિવર્સિટી સત્તાધીશો પર જીતુ વાઘાણીએ દબાણ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે, એ વિશે આપ શું કહો છો? જીતુ વાઘાણીએ આવી ચર્ચાને ખોટી ગણાવી હતી અને આ પ્રકારના દાવાને નકારી કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લકેશનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ અંગે યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર સહિતના સત્તાધીશો પણ ચુપકીદી સેવતા જોવા નજરે પડતા હતા. જો કે, આ ઘટનાને પગલે લોકસભાની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું હતું. ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસના હાથમાં એક નવો મુદ્દો હાથ લાગ્યો હતો.

Previous articleપાકિસ્તાન લાશો ગણતું હતું ત્યારે વિપક્ષ પુરાવા માંગતું હતું : મોદી
Next articleહિટવેવની ચેતવણી વચ્ચે પારો ૪૩ ઉપર પહોંચ્યો