એસટીનો તઘલઘી નિર્ણય : રાત્રે બસમાં સુવાનું અને ભથ્થું માત્ર રૂ. ૧૦

776
gandhi11-1-2018-4.jpg

રાજકોટ જિલ્લામાં તાજેતરમાં બસ સળગાવવાની કેટલીક ઘટનાઓને પગલે એસટી નિગમે એક તઘલઘી આદેશ કર્યો છે. જે બસો ગામડાંમાં રાત્રિ રોકાણ કરે છે, તેને સાચવવા માટે બસના ડ્રાઇવર કંડકટરે હવે બસમાં જ સુવુ પડશે અને આ બદલ તેમને માત્ર દસ રૃપિયા જેટલું મહેનતાણું ચુકવવામાં આવશે. નિગમના આવા પરિપત્રને પગલે કર્મચારીઓમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે.
એસટીના કર્મચારીઓ જણાવ્યા મુજબ તાજેતરમાં રાજકોટ જિલ્લામાં એક એસટી બસને સળગાવી દેવાયા બાદ એસટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે એસટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના સમયે બસ મોકલવામાં આવે છે અને ત્યાં રાત્રીના સમયે રોકાણ કરે છે. મુખ્યત્વે ડ્રાઈવર કે કંડકટર પૈકી કોઈ એક તે જ ગામના હોય છે અને રાત્રે સુવા માટે પોતાના ઘરે ચાલ્યા જાય છે. તેના કારણે બસ રેઢી હોય છે, તેને કોઈ સળગાવી દે કે ઉપાડીને લઈ જાય તેવી શકયતા નકારી શકાતી નથી. જેથી ફરજીયાતપણે ડ્રાઈવર કે કંડકટરોએ બસની અંદર જ રાત્રી રોકાણ કરવા. અધિકારીઓને પણ રાત્રીના સમયે આકસ્મિક રીતે ગામડાઓમાં જઈને ડ્રાઈવર કે કંડકટર બસમાં છે કે નહી તેનું ચેકીંગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
આ પરિપત્રના પગલે કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે.કર્મચારીઓએ જણાવ્યું છે કે રાત્રીના સમયે બસમાં રોકાણ કરવા માટે ડ્રાઈવર અને કંડકટરને માત્ર રૃ.૧૦ ભથ્થુ આપવામાં આવે છે અને તેમાં ચા પાણી અને રાત્રીના સમયના ભોજનનો ખર્ચ પણ આવી જાય છે. 
ઉપરાંત બસ સળગાવવા માટે જો કોઈ હુમલો કરે તો ડ્રાઈવર કે કંડકટરને પણ જાનનું જોખમ હોય છે. બસ સળગાવવી જ હોય તો ડ્રાઈવર કંડકટર હોય તો પણ સળગાવી શકે છે. જેથી બસમાં ડ્રાઈવર કે કંડકટર હોવાથી ન સળગાવી શકે તેવું નથી પણ કર્મચારીઓની સલામતિ પર મોટું જોખમ હોય છે. જેથી આ વિવાદી પરિપત્ર તાત્કાલીક પરત ખેંચવા માટે કર્મચારીઓ દ્વારા માગણી ઉઠી રહી છે.

Previous articleશાળાઓના પાઠયપુસ્તકો બદલાશેઃ પ્રથમ વખત દ્ગઝ્રઈઇ્‌ આધારિત અભ્યાસક્રમ
Next article ગાંધીનગર મનપામાં પાકા દબાણ ઉપર હથોડો વિંઝાશે