કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ગુજરાતના ઓબીસી નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભારત માતાની જય, વંદે માતરમના નારા લગાવીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. સેંકડો સમર્થકોની સાથે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. અલ્પેશ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ભાજપના કારોબારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ગુજરાત યાત્રાથી એક દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગુરુવારના દિવસે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. છેલ્લા ૧૫ દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર આજે તેમના સાથી ધવલસિંહ ઝાલા સાથે આખરે ભાજપમાં જોડાઇ ગયા હતા. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો હતો અને તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું.
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સાથે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. ઓક્ટોબર ૨૦૧૭માં જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેને કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો હતો. જ્યારે ભાજપમાં તેને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તો દૂરની વાત છે રૂપાણી સરકારના એકેય મંત્રી પણ હાજર રહ્યા નથી તે બહુ સૂચક અને નોંધનીય બાબત રહી હતી. જો કે, ભાજપ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ પુરું કરશે કે કેમ તેને લઇને પણ ગંભીર પ્રશ્નાર્થ છે. હાલ તો અલ્પેશ બચાવની મુદ્રામાં જોવા મળ્યો હતો કે, પક્ષ તેને જે કામગીરી સોંપશે, તે નિષ્ઠાથી બજાવશે.
જ્યારે અગાઉ કોંગ્રેસમાં તેમને બિહારના સહ પ્રભારીની જવાબદારી આપીને ઓબીસી નેતા તરીકે કદ વધારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તા.૫ જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પાર્ટીથી નારાજચાલી રહ્યા હતા. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણપણે સફાયો થયો હતો. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૬ પૈકી એક પણ મળી ન હતી અને આ વખતે ૨૦૧૯માં પણ કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. અલ્પેશ ઠાકોર પોતાના સમુદાયના લોકપ્રિય નેતા તરીકે રહ્યા છે. નશાબંધી આંદોલન ચલાવીને ચર્ચામાં આવેલા અલ્પેશ ઠાકોરને પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઓબીસી એકતા મંચની રચના કરી પાટીદારોને ઓબીસી વર્ગમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા તથા ઉત્તર ગુજરાતની રાધનપુર સીટ પરથી ચૂંટણી લડી હતી અને અહીંથી જીતી ગયા હતા. કોંગ્રેસના જિલ્લા અને તાલુકા હોદ્દેદારોની નિમણૂંકને લઇને વિવાદ થતાં અલ્પેશ કોંગ્રેસથી અલગ થયા હતા. રાજ્યસભા ચૂંટણીમાં મતદાન બાદ ધવલે વિધાનસભાની મેમ્બરશીપ છોડી દીધી હતી. ભાજપના ચાર ધારાસભ્યો લોકસભા સભ્ય બન્યા બાદ હવે ગુજરાત વિધાનસભાની છ સીટ ખાલી થઇ છે જેના ઉપર ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાનાર છે.
અલ્પેશને રાધનપુર થતાં ધવલને બાયડમાંથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. અલ્પેશની છાપ સામાજિક કાર્યકર તરીકે છે. ગુજરાતમાં આશરે ૫૦ ટકા મતદારો પછાત વર્ગમાંથી આવે છે. આવી સ્થિતિમાં આ વર્ગના નેતા કોઇપણ દળ માટે ખુબ મહત્વપૂર્ણ છે.


















