અરવલ્લીના બાયડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કરો યા મરોની સ્થિતિ વચ્ચે બન્ને પક્ષો પોતાની ક્ષમતા પ્રમાણે મતદારોને રીઝવવાના પ્રયત્નો કર્યા છે. બાયડ બેઠક પર ભાજપના ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુ પટેલ વચ્ચે સીધો જંગ છે, ત્યારે મતદાન પહેલા બાયડના ડામોરના મુવાડા ગામે રૂપિયા વેચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પ્રમાણે, કોંગ્રેસના સહકારી આગેવાન રૂપિયા વેચતા હોવાના આક્ષેપ લાગ્યો છે. આ વીડિયો બાદ રીતસરનો વિવાદ ફાટી નીકળ્યો હતો.વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કોંગ્રેસના સહકારી આગેવાન ખુલ્લેઆમ રૂપિયા વેચી રહ્યા છે. તેઓ મતદારોની એક યાદી બનાવીને રૂપિયા વેચી રહ્યા છે, આ ઘટનાનો વીડિયો વાયરલ થતા અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. જોકે, આ વીડિયોને લઈને હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી.
ધવલસિંહે વાયરલ વીડિયોનો હવાલો આપીને કોંગ્રેસ પર રૂપિયાની વહેંચણી કરી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા દારૂની રેલમછેલનો આરોપ લગાવાયો છે. ત્યારે મતદાન પહેલા આ પ્રકારના આક્ષેપોને કારણે રાજકારણ ગરમાયું હતું. જોકે, રૂપિયા વહેંચણી કે દારૂની રેલમછેલ થઈ હતી કે નહીં તે તો તપાસનો વિષય છે.
ધવલસિંહે લગાવેલા આક્ષેપોનો કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ફગાવી દીધા છે અને તેમણે કોઈ રૂપિયાની વહેંચણી ન કરી હોવાનું જણાવી ખોટા આરોપો લગાવાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, મારી પાસે ડીઝલ ભરાવાના પૈસા પણ નથી.


















