બળવંતસિંઘની રિટ ફગાવવા માંગ કરતી અરજી ફગાવાઇ

782
guj21418-6.jpg

રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયી ઉમેદવાર એહમદ પટેલની જીતને પડકારતી ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ઇલેકશન પિટિશનને ફગાવી દેવા એહમદ પટેલ તરફથી કરાયેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે આજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
 હાઇકોર્ટના આ હુકમને પગલે કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય નેતા એહમદ પટેલને બહુ મોટો ઝટકો મળ્યો છે. એહમદ પટેલની પિટિશન ફગાવતાં હવે બળવંતસિંઘની ઇલેકશન પિટિશન પર હાઇકોર્ટમાં ટ્રાયલ આગળ ચાલશે. બળવંતસિંઘની ઇલેકશન પિટિશનનો વિરોધ કરતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલ તરફથી અગાઉ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, અરજદાર જે બે મતો સામે વાંધો ઉઠાવી રહ્યા છે તે બે મતો જો રદબાતલ ઠરાવાત તો પણ તેઓ જ વિજયી બન્યા હોત. 
વળી, અરજદારની પિટિશન સિવિલ પ્રોસીજર કોડ અને રિપ્રેઝન્ટેટીવ ઓફ પીપલ એકટની જોગવાઇઓથી વિરૂધ્ધની હોઇ ટકી શકે તેમ જ નથી. એટલું જ નહી, અરજદાર આ ઇલેકશન પિટિશન ફાઇલ કરવા માટેનું યોગ્ય અને વાજબી કોઝ ઓફ એકશન રજૂ કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે. 
આમ, બળવંતસિંઘની પિટિશન કાયદાકીય જોગવાઇઓથી વિપરીત અને અસ્થાને હોઇ હાઇકોર્ટે તેને ધરાર ફગાવી દેવી જોઇએ. જો કે, હાઇકોર્ટે એહમદ પટેલની આ રજૂઆત ગ્રાહ્ય રાખી ન હતી અને તેમની બળવંતસિંઘની ઇલેકશન પિટિશન ફગાવી દેવા માંગ કરતી અરજી નામંજૂર કરી દીધી હતી. આ કેસની વિગત એવી છે કે, ગત તા.૮-૮-૨૦૧૭ના રોજ રાજયસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે મતદાન દરમ્યાન તેમના મત માત્ર કોંગ્રેસ પક્ષના પોલીંગ એજન્ટને જ નહી પરંતુ ભાજપના પોલીંગ એજન્ટને પણ બતાવ્યા હતા અને તેથી ચૂંટણી પ્રક્રિયાનો ભંગ ઉપસ્થિત થયો હતો. પરંતુ કોંગ્રેસ તરફથી ઉઠાવાયેલા વાંધાને રિટર્નીંગ ઓફિસરે ફગાવ્યો હતો, છેવટે આ મામલો છેક કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ગયો હતો અને કેન્દ્રીય ચૂંટણી પંચે આ બંને મતો રદબાતલ ઠરાવી એહમદ પટેલને ૪૪ મતો સાથે વિજયી જાહેર કર્યા હતા, જયારે ભાજપના ઉમેદવાર બળવંતસિંઘ રાજપૂતને ૩૮ મતો મળ્યા હતા. જેથી ભાજપના બળવંતસિંઘ તરફથી કરાયેલી પિટિશનમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતો તેમને પડયા હતા પરંતુ કોંગ્રેસે લીધેલા વાંધા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે તે મતો રદ કરી દીધા હતા જે નિર્ણય બિલકુલ અયોગ્ય, ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર છે કારણ કે, એક વખતે મત જયારે મતપેટીમાં પડી જાય અને જયારે રિટર્નીંગ ઓફિસરે તેની સ્વીકારી લીધા હોય પછી તેમાં દરમ્યાનગીરી કરવાની ચૂંટણી પંચને કોઇ સત્તા જ નથી. તેમણે એહમદ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે, એહમદ પટેલ ભ્રષ્ટ પ્રેકટીસ આચરવા સંડોવાયેલા છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લેરૂ ખાતેના રિસોર્ટમાં કેદ રાખી તેમની પાછળ લાખો રૂપિયાનો મનોરંજનનો ખર્ચ કર્યો છે અને આમ, એહમદ પટેલ તેમની આ કરપ્ટ પ્રેકટીસથી વિજયી બન્યા છે નહી કે, મતદારોની મુકત ઇચ્છાના કારણે. રાજપૂતે કોંગ્રેસના જે બે ધારાસભ્યોએ એહમદ પટેલને મત આપ્યા હતા તે એ ગ્રાઉન્ડ પર રદ કરવાની માંગણી પિટિશનમાં કરી છે કે, કોંગ્રેસના એ બંને ધારાસભ્યોએ પણ કોંગ્રેસના અધિકૃત એજન્ટ સિવાય બીજા વ્યકિતઓને પોતાના મત બતાવ્યા હતા. આ પરિસ્થિતિમાં તેમના મત વધી જાત અને તેઓ વિજયી જાહેર થાત પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચના અન્યાયી નિર્ણયના કારણે તેઓ હાર્યા છે. આ સંજોગોમાં હાઇકોર્ટે એહમદ પટેલની ચૂંટણી રદ કરી તેમને છ વર્ષ માટે ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવવા જોઇએ.

Previous article જૂની પેન્શન યોજના શરૂ કરવા રાજનાથ સિંહ સાથે બેઠક યોજાઈ
Next articleયુથ હોસ્ટેલ ખાતે ફ્રી ડેન્ટલ કેમ્પ યોજાયો