સાયક્લોનિક સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં માવઠાની આગાહી

94

હવામાન વિભાગની આગાહી અનુસાર : આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્‌ છે, શહેરનું તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે
અમદાવાદ,તા.૧૭
દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. નલિયામાં ૧૦.૫ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. વધતી ઠંડીની સાથે આજથી ત્રણ દિવસ માટે રાજ્યનાં અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્‌ છે. શહેરનું તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્‌યુલેશનની અસરને કારણે ભેજવાળા પવનો રાજ્યમાં રહેલા સૂકા પવનો સાથે ભળી રહ્યા છે. જેના કારણે શહેરમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પણ પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં વાદળો છવાતા ઠંડીનો પારો પણ ૧૮થી ૨૦ ડિગ્રી સુધી જઇ શકે છે. ૨૦ નવેમ્બર પછી વાદળો હટતાં ઠંડીનો પારો એકાએક ગગડી શકે છે. જેના પગલે કડકડતી ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે. મંગળવારે, નલિયા ઉપરાંત ચાર શહેરમાં તાપમાન ૧૬થી નીચે નોંધાયું હતુ. જેમાં ૧૩.૪ ડિગ્રી સાથે ડીસા, ૧૫ ડિગ્રી સાથે ગાંધીનગર અને વલસાડ, ૧૬ ડિગ્રી સાથે ભૂજનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં શુક્રવારે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, દીવમાં વરસાગ વરસી શકે છે. જ્યારે શનિવારે દમણ, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Previous articleકાશ્મીરના કુલગામમાં સેનાએ ૪ આતકીઓને ઠાર કર્યા, બે જબ્બે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસો નોંધાયા