ગુજરાતમાં ૪.૧૯ લાખ જન ધન ખાતા બંધ કરાયા

853
guj4-2-2018-2.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે કહ્યુહતુ કે ૨૦મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૪૯.૫૦ લાખ જન  ધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે ૫૦ ટકા ખાતા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનમાં હતા. સરકારે માહિતી આપતા કહ્યુ છે કે દેશભરમાં આશરે ૩૧ કરોડ જન ધન ખાતા છે જે પૈકી ૨૪.૬૪ કરોડ ખાતા જ ઓપરેશન હેઠળ છે. આ ખાતામાં ખાતાધારકે ૨૪ મહિનામાં લેવડદેવડ કરી છે. આ માહિતી નાણાં મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરકારની યોજના છે કે તમામ પરિવારમાં જીરો બેલેન્સ પર જન ધન ખાતા ખોલી દેવામાં આવે. આને સૌથી મોટી નાણાંકીય સમાવેશ યોજના તરીકે જોવામાં આવે છે. સરકાર આ ખાતાનો ઉપયોગ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના રૂપમાં કરી રહી છે. સાથે સાથે ખાતાધારકોને અકસ્માત અને લાઇફ વીમા આપી રહી છે. આંકડા દર્શાવે છે કે બંધ થયેલા ખાતાની સંખ્યાના મામલે ઉત્તરપ્રદેશ સૌથી ઉપર છે. અહીં ૯.૬૪ લાખ ખાતા બંધ કરવામાં આવ્યા છે. ત્યારબાદ યાદીમાં મધ્યપ્રદેશ બીજા સ્થાન પર છે. આ રાજ્યમાં ૪.૪૪ લાખ ખાતા બંધ કરવામાં આવ્ય છે. આવી જ રીતે મોદીના વતન રાજ્ય ગુજરાતમાં પણ આ સંખ્યા ઓછી નથી. ગુજરાતમાં બંધ કરવામાં આવેલા ખાતાની સંખ્યા ૪.૧૯ લાખ છે. આ બંધ કરવામાં આવેલા તમામ ખાતાના સંબંધમાં વધારે વિગત આપવામાં આવી નથી. દેશના તમામ લોકોના બેંક ખાતા ખોલવાના મક્કમ ઇરાદા સાથે જન ધન ખાતાની શરૂઆત કરવામાં આવી હતી. કરોડોની સંખ્યામાં આ ખાતા ખોલવામાં આવ્યા હતા. બિહાર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં પણ લાખોની સંખ્યામાં ખાતા બંધ કરવામાં આવ્યા છે. આ ખાતામાં ગેરકાયદે લેવડદેવડ થઇ હોવાના હેવાલ મળી ચુક્યા છે. સાથે સાથે જે જન ધન ખાતામાં આડેધડ લેવડદેવડ કરવામાં આવી છે તે તમામ ખાતામાં પણ તપાસ, કરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે.