નલિન કોટડિયા દ્વારા હવાલાથી ટ્રાન્સફર થયેલા ૨૫ લાખ જપ્ત

643
guj852018-5.jpg

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ હવે નિશ્ચિત મનાઇ રહી છે કારણે બિટકોઇન કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, આ સમગ્ર કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને કટકી પેટે રૂ.૬૬ લાખ મળવાના હતા. તેમાંથી આરોપી કિરીટ પાલડિયાએ પહેલા રૂ.૩૫ લાખ કોટડિયાને તેમના ભત્રીજા નમન અને અન્ય શખ્સ મારફતે મોકલ્યા હતા. એટલું જ નહી, કોટડિયાના રાજકોટ કનેક્શનનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ રાજકોટના નાનકુભાઇ આહિરને આ કેસમાં ઝડપી લીધો છે અને તેની પાસેથી ૨૫ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ ડેવલપમેન્ટમાં પણ નલિન કોટડિયાનું નામ ફરી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બિટકોઇન મામલે રાજકોટના નાનકુભાઇ આહિરનું નામ ખુલતાં સીઆઇડી ક્રાઇમની એક ટીમ રાજકોટ રવાના થઇ હતી અને જમીનના ધંધા સાથે સંકળાયેલા નાનકુ આહીરને પકડી ટીમ અમદાવાદ આવવા પણ રવાના થઇ ગઇ છે. સીઆઇડી ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારી વાતનો ખુલાસો સામે આવ્યો હતો કે, ગત ફેબ્રુઆરી મહિનામાં આંગડિયા પેઢી મારફતે તેને રૂ.૨૫ લાખ મોકલાયા હતી અને આ રૂપિયા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દ્વારા રૂપિયા મોકલાયા હોવાનું સામે આવ્યું હતું. નાનકુભાઇ આહિર જમીન-મકાનના ધંધા સાથે સંકળાયેલા છે. સને ૨૦૧૩માં જમીનનો અમરેલી ખાતે વહીવટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સીઆઇડી ક્રાઇમે આ મામલે નાનકુભાઇની પૂછપરછ કરતાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આ જમીનનો સોદો છેલ્લે ડિસેમ્બર-૨૦૧૭માં રૂ.૩.૨૦ કરોડમાં થયો હતો અને નાનકુભાઇ પાસેથી જપ્ત કરાયેલી રૂ.૨૫ લાખની રકમ ઉપરોકત સોદા પૈકીની હતી.  આ સમગ્ર પ્રકરણમાં કોટડિયાના સાળા મારફતે રૂ.૧૦ લાખની રકમ પહોંચાડાઇ હતી, તેથી તે રૂ.૧૦ લાખની રકમ પણ જપ્ત કરવા માટે સીઆઇડી ક્રાઇમે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
કિરીટ પાલડિયાની પૂછપરછમાં કોટડિયા વિરૂદ્ધ ચોંકાવનારા ખુલાસા બાદ સીઆઇડી ક્રાઇમના ત્રણ ત્રણ સમન્સ બાદ પણ નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર થયા નથી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેથી હવે સીઆઇડી ક્રાઇમ નલિન કોટડિયાને વોરંટની બજવણીની પ્રક્રિયા કરી તેમની ધરપકડ કરે તેવી શકયતાઓ પણ બળવત્તર બની છે. બીજીબાજુ, કોટડિયાને લઇ બિટકોઇન કેસમાં થઇ રહેલા એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓને લઇને રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે.

Previous articleરાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો
Next article૨૧૭૭૨૫ આવાસને પૂર્ણ કરી લાભાર્થીઓને અપાયા