બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વીજકંપનીએ 18 લાખની વીજચોરી ઝડપી પાડી

37

485 જોડાણો પૈકી 96 કનેક્શનોમાં યેનકેન પ્રકારે ગેરરીતિઓ મળી આવતાં વીજચોરોને આકરો દંડ ફટકાર્યો
બોટાદ જિલ્લાના ગઢડા ગ્રામ્યમાં પીજીવીસીએલ ની અલગ અલગ ટીમો દ્વારા આજરોજ યોજાયેલી ચેકિંગ ડ્રાઈવમાં વીજચોરી આચરતા 96 આસામીઓ આબાદ ઝડપાઈ ગયાં હતાં આ આસામીઓના વિજ જોડાણો કટ્ટ કરી 17.96 લાખનો દંડ ફટકારતા વિજચોરોમાં ફફડાટ ફેલાયો છે. બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની કચેરી દ્વારા યોજાયેલ કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના ગઢડા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી-1 હેઠળ આવતા ભીમડાદ, દેરાળા, મોટા સખપર, રોજમાળ, કેરાળા, હરિપર સહિતના ગામો તથા ગઢડા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી-૨ હેઠળ આવતા ગઢડા ગામના સામા કાંઠો, આહીરવાસ, ભગવાનપરા, માંડવધાર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ તેમજ એસઆરપી અને વિડીયોગ્રાફરને સાથે લઈ 26 જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકીંગમાં કુલ 485 જેટલા વીજ કનેકશનો ચેક કરવામાં આવેલ તેમાંથી 96 જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.17.96 લાખની વીજચોરીના દંડ ફટકારવામાં આવ્યા હતા. આ અંગે પીજીવીસીએલ ના અધિકારીઓ એ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ચેકિંગ ડ્રાઈવ યથાવત રહેશે.