સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ દાદાને રજવાડી વાઘા પહેરાવી વિશેષ પરંપરાગત દિવ્ય શણગાર કરાયો

98

બોટાદના સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાને આજે શનિવારે રજવાડી વાઘા પહેરાવી વિશેષ ટ્રેડીશનલ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે દિવ્ય શણગાર તેમજ કાઠીયાવાડ ગામ અને કૃષિદર્શનની વિશેષ ઝાંખીનો શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા. ૨૫ ડિસેમ્બરને શનિવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી રજવાડી વાઘા પહેરાવી વિશેષ ટ્રેડિશનલ દિવ્ય શણગાર તથા કાઠીયાવાડ ગામ અને કૃષિદર્શનની વિશેષ ઝાંખી કરાવવામાં આવી હતી. ઉપરાંત મંગળા આરતી સવારે ૫ઃ૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૭ કલાકે અને સંધ્યા આરતી ૬ઃ૧૫ કલાકે કરવામાં આવશે. પવિત્ર ધનુર્માસ દરમિયાન દાદાના મંદિરના પટાંગણમાં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૯થી ૧૨ અને સાંજે ૩થી ૬ કલાક દરમિયાન દરરોજ શરૂ છે. નોંધનીય છે કે ધનુર્માસ નિમિત્તે શ્રી હરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકો ભક્તોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હજારો ભકતોએ આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Previous articleકાળીયારના શિકાર પ્રકરણે વધુ બે આરોપી ઝબ્બે
Next articleભાવનગર જિલ્લામાં આજે એક કોરોનાનો કેસ નોંધાયો