વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવા લાગતા ૧૫ જાન્યુઆરી બાદ સ્કૂલો બંધ કરવા અંગે નિર્ણય

524

સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યાં છે
સમગ્ર દેશમાં કોરોનાનો ફરીવાર હાહાકાર મચી રહ્યો છે. ગુજરાતમાં પણ કેસો અનિયંત્રિત થઈ રહ્યાં છે. બીજી તરફ દિવાળી બાદ ધોરણ ૧ થી ૧૨ની તમામ સ્કૂલો ઓફલાઇન થઈ છે જેના કારણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયાં છે. ગુજરાતની સ્કૂલોમાં ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં વાલીઓ ચિંતાતૂર થયાં છે. કેસોમાં વધારો થતાં સ્કૂલો બંધ કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા હવે ૧૫ જાન્યુઆરી બાદ સ્કૂલો બંધ કરવા નિર્ણય લેવામાં આવશે. અત્યારે ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો પગપસારો થઈ ગયો છે. શિક્ષણ વિભાગ દ્વારા કેસ વધતા સ્કૂલો માટે નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવી હતી જેનું અત્યારે તમામ સ્કૂલોમાં પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ ડ્ઢર્ઈં કચેરી દ્વારા સ્કૂલોમાં માસ્ક, સેનિટાઈઝર સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે ઉપરાંત સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં પણ આવી રહ્યું છે. સ્કૂલોમાં આવતા કેસ અંગે પણ મોનીટરીંગ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં સ્કૂલોના વર્ગ તથા કેટલીક સ્કૂલો બંધ પણ કરવામાં આવી છે.DEO કચેરી દ્વારા રોજેરોજ સ્કૂલોનો રિપોર્ટ તૈયાર કરીને પણ શિક્ષણ વિભાગને મોકલવામાં આવે છે. સ્કૂલોમાં આવતા કેસ અંગે પણ ડ્ઢર્ઈં દ્વારા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવે છે. જે સ્કૂલમાં કેસ આવ્યા હોય તે સ્કૂલના વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે. કેસ વધવાને કારણે અત્યારે સ્કૂલોમાં આવતા બાળકોની સંખ્યામાં ઘટાડો પણ થયો છે. અગાઉ ૮૫-૯૦ ટકા ઓફલાઇન હાજરી રહેતી હતી તે હવે ૭૦ ટકા આસપાસ થઈ છે.કેટલાક વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું છે. શાળા સંચાલક મંડળે પણ શિક્ષણ વિભાગ પાસે સ્કૂલો ઓફલાઇન બંધ કરવા માંગણી કરી છે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગામી ૨ સપ્તાહ સુધી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થાય તેનું મોનિટરીંગ કરવામાં આવશે. સ્કૂલોમાં કેસ વધશે તો ૧૫ તારીખ સુધી મોનીટરીંગ કરીને બાદમાં સ્કૂલ માત્ર ઓનલાઇન જ ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવશે અને કેસ કાબુમાં હશે તો હાલ મુજબ સ્કૂલો બંને માધ્યમમાં ચાલુ રહેશે.