પ ઓકટોબરે જુનાગઢ ખાતે નરસિંહ મહેતા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે

1920
bvn2582017-8.jpg

આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ અને સત્વશીલ કવિને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરી એમના સર્જનકર્મની વંદના કરાય છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડમાં નરસિંહ મહેતાના ધાતુની પ્રતિમાનો એવોર્ડ, રૂ.૧,૫૧,૦૦૦ ની સન્માન રાશિ નો સમાવેશ થાય છે. શરદપૂર્ણિમાના ઉજાસભર્યા અવસરે આ ઉપક્રમ રચાય છે.
વર્ષ ૨૦૧૭ માટે ગુજરાતી કાવ્ય ક્ષેત્રે અદકેરું પ્રદાન કરનાર બે સર્જકોને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે. ૨૩મો નરસિંહમહેતાએવોર્ડ કવિ ગુલામ મહોમ્મદ શેખ અને ૨૪મો નરસિંહમહેતા એવોર્ડ કવિ દલપત પઢિયારને અપાશે.  મુક્ત પદ્ય કાવ્ય સ્વરૂપમાં એક પોતીકો ચીલો ચાતરનાર  ગુલામ મહોમ્મદ શેખના કાવ્યોમાં ચિત્રત્મકતા વિશેષ જોવા મળે છે.  આધ્યાત્મિક રંગછાંટથી રંગાયેલી  દલપત પઢિયારની કવિતામાં ગેયતા અને આઘ્યાત્મિકતાનો અનન્ય સમન્વય અનુભવાય છે.
આગામી શરદ પૂર્ણિમાની સંધ્યાએ તા. ૫ ઓક્ટોબર ૨૦૧૭, ગુરુવાર ના રોજ ગરવા ગિરનારની ગોદમાં, રૂપાયતનના પ્રાકૃતિક પરિસરમાં પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે આ બંને કવીઓનું સન્માન થશે. પ્રત્યેક કવિને રૂ. ૧,૫૧,૦૦૦, ૧,૫૧,૦૦૦ની સન્માનરાશિ સાથેનો વર્ષ ૨૦૧૭નો નરસિંહ મહેતા એવોર્ડ સાક્ષરો અને વિદ્વતજનોની ઉપસ્થિતિમાં એનાયત થશે. આ પ્રસંગે બંને કવિઓ  કાવ્યપાઠ કરશે. સન્માનનીય કવિઓના સર્જનકર્મ વિશે શ્રી જયદેવ શુક્લ અને હર્ષદ ત્રિવેદી વક્તવ્ય આપશે. બિહાગ જોશી અને પીયુષ દવે દ્વારા પદગાન અને કાવ્યગાન પ્રસ્તુત થશે અને રૂપાયતન બાલભવન જૂનાગઢના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ થશે. પૂજ્ય મોરારીબાપુ મંગલ ઉદબોધન કરશે.