એક બટન દબાવવાથી હનુમાનજી પર તેલ અર્પણ

94

વડોદરાના મંદિરમાં શરૂ કરાઈ અનોખી સુવિધા : આ સિવાય હનુમાનજી પર તેલ ચડાવવા ઈચ્છતા ભક્તોને પ્રવેશ આપવાથી ઈનકાર કરવો તે પણ શક્ય નહોતું
વડોદરા,તા.૧૦
ભગવાનને પ્રાર્થના કરવા માગો છો, પરંતુ કોરોનાનો ચેપ લાગવાનો ડર પણ છે? તો હરણી વિસ્તારમાં આવેલા સદીઓ જૂના હનુમાન મંદિરની મુલાકાત લો જે ’સંકટ મોચન’નું પોતાનું વર્ઝન લઈને આવ્યું છે. અહીં, શ્રી ભીડભંજન મારુતિ મંદિરના મેનેજમેન્ટે ધાર્મિક વિધિના ભાગરૂપે ભગવાન હનુમાનને દૂરથી સુરક્ષિત રીતે તેલ અર્પણ કરવા માટે એક સિસ્ટમ વિકસિત કરી છે. મોટાભાગના ભક્તો દર શનિવારે હનુમાનજીને તેલ અર્પણ કરવા આવે છે. કેટલાક તો રોજ તેલ ચડાવે છે. પરંતુ મહામારીની વચ્ચે આ માટે મંદિરના ગર્ભગૃહની અંદર ભક્તોને એકઠા કરવા તે સલાહભર્યુ નહોતુ અને સેફ્ટી ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં હતું’, તેમ પૂજારી મહંત હર્ષદ ગિરી ગોસ્વામીએ વાતચીત કરતા જણાવ્યુ હતું. આ સિવાય હનુમાનજી પર તેલ ચડાવવા ઈચ્છતા ભક્તોને પ્રવેશ આપવાથી ઈનકાર કરવો તે પણ શક્ય નહોતું. તેથી અમે એવી સિસ્ટમ વિકસાવવાનું વિચાર્યું કે જેમા લોકો કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરીને તેમ કરી શકે. પાવર પર ચાલતુ ઓટોમેટિક મશીન હાલમાં મંદિરમાં ફિટ કરવામાં આવ્યુ છે’, તેમ ગોસ્વામીએ કહ્યુ હતું. ભક્તએ માત્ર મંદિર પરિસરમાં ગર્ભગૃહની બહાર કેટલાક બટન દબાવવાના હોય છે. એકવાર બટન દબાવ્યા પછી, બજરંગ બલિની મૂર્તિ પર તેલ ચડાવવામાં આવે છે અને ગર્ભગૃહમાં મંત્ર ગૂંજી ઉઠે છે. લોકો ૫, ૧૦, ૨૦ અને ૫૦નું તેલ પણ ચડાવી શકે છે. સિસ્ટમ ખાતરી કરે છે કે ભક્તો પૂજારી અને એકબીજાથી સુરક્ષિત અંતર જાળવી રાખે. ઉપરાંત તેમને તેઓ તેલ ચડાવી શક્યા હોવાનો સંતોષ પણ અનુભવે છે’, તેમ ગોસ્વામીએ ઉમેર્યુ હતું. ઉપરાંત, મૂર્તિ પર જ્યારે તેલ ચડાવવામાં આવે છે ત્યારે ગર્ભગૃહ આપોઆપ પ્રકાશિત થઈ જાય છે. જેથી, ભક્ત ભગવાનની સારી રીતે ઝલક મેળવી શકે છે. ’અમારું મંદિર તંત્ર, મંત્ર અને યંત્રની પ્રાચીન પદ્ધતિને અનુસરે છે. ભક્તો પણ આ વ્યવસ્થાથી ખુશ છે’, તેમ તેણે ઉમેર્યુ હતું. કોરોના પહેલા, મંદિરમાં તમામ શનિવારે લગભગ ૨ હજાર ભક્તો આવતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષમાં સંખ્યા ઘટીને ૫૦૦ થઈ ગઈ છે. તે યાંત્રિક હોવા છતાં, મને કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરીને ભગવાનને તેલ અર્પણ કરવાનો સંતોષ મળે છે’, તેમ દર શનિવારે મંદિરની મુલાકાત લેતા મિતેશ શાહે જણાવ્યું હતું.