પ્રજ્ઞાચક્ષુ શાળામાં ચાલતા નવરાત્રિ રાસગરબા

759
bvn2792017-1.jpg

માતાની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રી. હાલ નવરાત્રીની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી અને વિવિધ પ્રાંતીય રીતી-રીવાજો મુજબ ઉજવાઈ રહી છે ખેલૈયાઓ પણ રંગબેરંગી ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઇને ગરબા ગાવાની સાથે માતાની ભક્તિમાં ઓતપ્રોત બન્યા છે. ત્યારે ભાવેણામાં આવેલી સંસ્થા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પણ પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાવનગરનાં નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં આશીર્વાદ અને સહયોગથી ૬ જાન્યુ.,૧૯૩૨નાં રોજ સ્થપાયેલ રાજ્યની એકમાત્ર આઝાદી પહેલાની પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સંસ્થા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ નવરાત્રી દરમિયાન માતા આદ્ય શક્તિની ઉપાસના વર્ષોથી પરંપરાગત રીતે કરતા આવ્યા છે. શરૂઆતમાં કરતાલ, મંજીરા અને તબલા સાથે શાળાના મોટા ખંડમાં ગરબો પધરાવીને પવિત્ર નવ દિવસો દરમિયાન ભજન-કીર્તન, પૂજા-અનુષ્ઠાન અને પ્રાચીન ગરબા ગાઈને નવ દિવસ દૈવી શક્તિનાં જુદાં-જુદાં નવ રૂપોની આરાધના કરવામાં આવતી હતી. ત્યારબાદ ૧૯૭૭થી શાળાના વિદ્યાથી રહેલા અને વર્તમાન સંચાલક લાભુભાઈ સોનાણીએ નવરાત્રી મહોત્સવનાં સંચાલનની જવાબદારી સ્વીકારી તે સમયનાં સંચાલકો અને વિદ્યાર્થીઓને સાથે સતત મધ્યસ્થી ભૂમિકા નિભાવી અને પ્રગતીશીલ રહી વર્ષ ૧૯૮૫માં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ ગરબી મંડળની શરૂઆત કરવા ભાવેણાની ધર્મપ્રેમી જનતા પાસેથી ડોનેશન મેળવી સુંદર ગરબી ઘડવામાં આવી હતી. નવરાત્રી માટે જરૂરી સંગીતનાં સાધનો-વાજિંત્રો અને સાઉન્ડ સિસ્ટમ માટે સંચાલક મંડળ સમક્ષ રજૂઆત કરી મેળવ્યા હતા. ત્યાર બાદ લાભુભાઈ વર્ષ ૧૯૯૯માં સંચાલક મંડળમાં પ્રવેશી માનદ્‌ મંત્રી તરીકેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી વર્ષ ૨૦૦૦ થી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ ગરબે ધૂમી શકે  તે માટે અગાવથી તાલીમ આપી શકે તેવો પ્રબંધ્ધ કરી નવી પધ્ધતિ દાખલ કરી છેલ્લા ૧૮ વર્ષથી તેમાં સમયાંતરે જરૂરી સુધારા કરી પ્રગતિ થઇ રહી છે. વર્ષ ૨૦૧૪ સુધીનાં સમયમાં પ્રાચીન ગરબી મંડળનું અર્વાચીન નજરાણું “પ્રજ્ઞાચક્ષુ ઓરકેસ્ટ્રા બેન્ડ” તૈયાર થયું અને આ ગ્રુપનાં સથવારે પ્રજ્ઞાચક્ષુ ખેલૈયાઓ સામાન્ય વ્યક્તિઓને પણ પાછળ છોડી દે તે રીતે પ્રાચીન વેશભૂષા સાથે રંગદર્શી માહોલ વચ્ચે ગરબે ઘૂમી સૌ-કોઈને મંત્રમુગ્ધ કરી ઝૂમવા મજબુર કરે છે. શહેરનાં પ્રતિષ્ઠિત નાગરીકો પણ શાળામાં યોજાતા મહોત્સવને માણવા સમયસર પહોચી જાય છે. શાળાના સંચાલક લાભુભાઈ જણાવે છે કે આ પ્રકારનાં કાર્યક્રમથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસની વૃધ્ધિ થાય છે અને તે પણ સામાન્ય વ્યક્તિની જેમ  પોતાનું જીવન જીવવા સક્ષમ બને છે અને સામાન્ય વ્યક્તિ સાથે સ્પર્ધામાં ઉભા રહેવા તૈયાર થાય છે.