બાળુડાના ગરબા કાર્યક્રમ સંવેદનશીલતાનું હૃદયસ્પર્શી દર્શન

902
gandhi2892017-4.jpg

બાળુડાઓને ગરબા રમવામાં સાથ આપીને એમના ચહેરા પર સ્મિત અને હૈયાંમાં આનંદ આણવાનો પ્રયાસ કર્યો ! લાયન્સ ક્લબ ઑફ ગાંધીનગરના આખા ગરબા ગ્રાઉન્ડમાં જ્યાં જુઓ ત્યાં આવાં જ દૃશ્યો જોવા મળતાં હતાં. જી ઈ ક્લબ, ગ્રો ફાઉન્ડેશન, સાધના અને જુનિયર સિટિઝન કાઉન્સિલ દ્વારા અન્ય સ્વૈચ્છિક-શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી માનસિક-શારીરિક વિશિષ્ટ વ્યક્તિઓ માટે ‘બાળુડાના ગરબા’ કાર્યક્રમ સોમવારે લાયન્સ ક્લબના યજમાનપદે યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન આવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આવાં દૃશ્યો જોઈને ગરબા ગ્રાઉન્ડના મધ્યમાં બિરાજમાન જગતજનની મા અંબા મલકમલક મરકાતી હોય એવો ભાસ થયો હતો !  કાર્યક્રમ દરમિયાન કેટલાંક સમાજભાવકો તો એટલા ભાવુક બની ગયા હતા કે એમણે વિશિષ્ટ બાળકોના હાથ ઝાલીને એમને ગરબા રમાડ્યા હતા. આ બધા જ પ્રયાસોનું પરિણામ એક જ આવ્યું હતું : બંને તરફ ચહેરાઓ પર સ્મિત અને બંને તરફ હૈયાઓમાં આનંદની અનુભૂતિ ! હંમેશની જેમ આ વખતે પણ આ કાર્યક્રમ દિલોમાં સંવેદનોનાં પૂર તાણી લાવ્યો હતો.
સતત ૧૪મા વર્ષે આયોજિત આ અનોખા કાર્યક્રમમાં સમર્પણ મૂક-બધિર શાળા, સૅક્ટર-૨૮, માનવસ્મૃતિ શાળા (સરગાસણ), સ્મૃતિવિકાસ શાળા (પ્રાંતિયા), અંધ શાળા, સૅક્ટર-૧૬, સદ્‌ભાવ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સૅ-૧૩, સંવેદન, સૅક્ટર-૬, હેત ફાઉન્ડેશન, સૅક્ટર-૭, અંબા એન્જલ્સ, અડાલજ, સદ્‌વિચાર પરિવાર, ઉવારસદ, સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત આવરી લેવાયેલાં વિશિષ્ટ વ્યક્તિઓ અને પ્રશિક્ષકોએ ભાગ લીધો હતો. તો હંમેશની જેમ પ્રેરણા વિદ્યાલય, અશ્વિનભાઈ એ પટેલ કૉમર્સ કૉલેજ અને  પી કે ચૌધરી મહિલા આટ્‌ર્સ કૉલેજનાં વિદ્યાર્થીઓએ બાળુડાઓ સાથે મન મૂકીને ગરબે રમીને એમને આનંદની ઉજવણી નો સુંદર અહેસાસ કરાવ્યો હતો. આ ત્રણેય સંસ્થાઓના ન માત્ર વિદ્યાર્થીઓ, પરંતુ અધ્યાપકોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય રીતે સામેલ થઈને સંવેદનશીલતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

Previous articleસરકાર-પાટીદારો વચ્ચે બેઠક નિષ્ફળ, ‘ભાજપ હાય હાય’ના નારા ગૂંજ્યા
Next articleઠાકોર -કોળી વિકાસ નિગમ દ્વારા જાગૃતિ શિબિર-બાળલગ્ન નાબૂદી અભિયાન સંમેલન યોજાયું