ઠાકોર -કોળી વિકાસ નિગમ દ્વારા જાગૃતિ શિબિર-બાળલગ્ન નાબૂદી અભિયાન સંમેલન યોજાયું

1102
gandhi2892017-3.jpg

સમાજમાં બાળલગ્નો, કુરિવાજ અને વ્યસનો અટકાવવા શિક્ષણ ખૂબજ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિ જ સમાજમાં હકારાત્મક બદલાવ લાવી શકે તેમ આજે ગાંધીનગર ખાતે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, યુનિસેફ તથા વિકસતિ જાતિ કલ્યાણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી જાગૃતિ શિબિર અને બાળલગ્ન નાબૂદી અભિયાન સંમેલનમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરે જણાવ્યું હતું.
રાજ્યમાં બક્ષીપંચની ૧૪૬ જ્ઞાતિઓમાં ૩૫ ટકા વસતી ઠાકોર સમાજની છે. અન્ય સમાજની સાપેક્ષમાં ઠાકોર-કોળી સમાજને વધુ શિક્ષિત થવાની જરૂર છે. એક શિક્ષિત દિકરી બે ઘર ઉજાળે-તારે. શિક્ષિત માતા ૧૦૦ શિક્ષકોની ગરજ સારે છે. ઠાકોર અને કોળી સમાજના લોકોને સ્વરોજગાર અને ઉચ્ચ અભ્યાસ માટે નિગમે પુરતા પ્રમાણમાં લોન સહાય આપી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોને મળતા લાભોમાં વચેટિયા પ્રથા નાબૂદ કરવા ગરીબ કલ્યાણ મેળા શરૂ કર્યા છે. બી.પી. એલ. મહિલાઓને વિના મૂલ્યે ગેસ જોડાણ માટે ઉજ્જવલા યોજના લોન્ચ કરી છે. 
પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભ પર કામ કરતી  વિજયભાઇ રૂપાણીની સરકારે સેવા સેતુ, આરોગ્ય સેતુ, અન્નપૂર્ણા શ્રમિક યોજના, તેમજ સંપૂર્ણ પારદર્શક્તાથી હજારો યુવાનોની સરકારી જગ્યાઓ ઉપર ભરતી કરીને ફાસ્ટટ્રેક-ગરીબોના હિત માટે કામ કરનારી સરકાર બની છે. સમાજના યુવાનોને શિક્ષિત બની કુરિવાજને તિલાંજલી આપવા શંભુજી ઠાકોરે અનુરોધ કર્યો હતો. 
નિગમના અધ્યક્ષ નંદાજી ઠાકોરે સમાજના યુવાનોને શિક્ષિત બની સમાજમાં રહેલી બદીઓ- કુરિવાજો- વ્યસનો અને બાળ લગ્ન પ્રથા દૂર કરવા ઉપર ભાર મુક્યો હતો. બોર્ડને ૨૦૦૨માં નિગમ બનાવવા બદલ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનીને નિગમે અત્યાર સુધીમાં સ્વરોજગાર અને ઉચ્ચ અભ્યાસ માટે આપેલી સહાયની માહિતી આપી હતી. ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ દ્વારા છેલ્લા પ વર્ષમાં ૯૨૦૦ જેટલા લાભાર્થી ઓને અંદાજિત રૂા.૪૫ કરોડની વાહન લોન અપાઇ છે. જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે ૫૧૦ વિદ્યાર્થીઓને રૂા.૮ કરોડની લોન સહાય આપીને સમાજના યુવાનોને આર્થિક પગભર અને શિક્ષિત કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.