સોમનાથદાદાના દર્શને રામનાથ

784
guj1032017-11.jpg

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અરબી સમુદ્રના કિનારે બિરાજતા ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ સમક્ષ શીશ ઝૂકાવી આસ્થાપૂર્વક વંદના કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની રાષ્ટ્રપતિ સાથે રાજયપાલ ઓ.પી. કોહલીએ પૂજા, અર્ચના,અભિષેક કરી સમગ્ર વિશ્વ, દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. દેશના રાષ્ટ્રપતિ તરીકે તેઓ પ્રથમ વખત ભગવાન સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યા હતા.  
તેઓ બપોર વેળાએ સોમનાથ ગોલોકધામ હેલીપેડ આવી પહોંચતા રાજયપાલ ઓ.પી. કોહલી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, કલેક્ટર ડો. અજય કુમાર, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઇસરે તેઓને આવકારી રાષ્ટ્રપતિનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ સાગરદર્શન ખાતે પહોંચતા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રટરી પી.કે. લહેરી અને ટ્રસ્ટ જે.ડી. પરમારે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતુ. 
બાદમાં રાષ્ટ્રપતિ સોમનાથ પરિસરમાં આવી પહોંચ્યા હતા. સોમનાથ તીર્થક્ષેત્રના વિદ્વાન  બ્રાહ્મણોએ વેદ મંત્રોનું ગાન કરી તેઓને આવકાર્યા હતા. મંત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું. અહીં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલે રાષ્ટ્રપતિને આવકારી પરંપરાગત સ્વાગત કર્યુ હતુ. 
  દેવાધિદેવ સોમનાથ મહાદેવ કૈલાશપતિને રાષ્ટ્રપતિ શ્રદ્ધાપૂર્વક વંદના કરી ભાવવિભોર થયા હતા. પૂજારીએ સ્તુતિ મંત્રોનું મંગલમય ગાન કરી પૂજા-અર્ચના કરાવી હતી. તેમણે શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક પણ કર્યો હતો. 
રાષ્ટ્રપતિએ સોમનાથને ઇતિહાસની ધરોહર ગણાવી પુજાવિધિનો અનન્ય અનૂભવ થયો હોવાનું નોંધ્યુ હતુ.  તેમણે સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી તેમનું સ્મરણ કર્યું હતું. રાષ્ટ્રપતિની સોમનાથ મુલાકાત પ્રસંગે પાણી પુરવઠા રાજયમંત્રી જશાભાઇ બારડ, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.