દક્ષિણ ગુજરાત તરબોળ : નવસારીમાં ૯ ઈંચ વરસાદ

1989

 

સુરત,તા. ૪

મુબઈ અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારમાં મેઘરાજાની છેલ્લા બે દિવસથી ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. જેનો પ્રભાવ નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક ૯ ઈંચ વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. નવસારી જિલ્લામા છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદની શરૂઆત સાથે સવારથી ધોધમાર વરસાદની પધરામણી થતા નવસારી, વિજલપોર, ગણદેવી અને બીલીમોરા શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રોજીંદા કામે નીકળતા નોકરીયાતવર્ગ અને વિદ્યાર્થીઓ પાણીના ભરાવાના કારણે હાલાકી વેઠવી પડી છે.

દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર રાજયમાં વરસાદનું આગમન થતા ચોમાસાનો આરંભની સાથે નવસારી જિલ્લામાં સરેરાશ ૯ ઈંચથી વધુ વરસાદ ખાબકતા નવસારી શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી પ્રજાને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે નવસારી વહીવટીતંત્રએ તમામ સરકારી કર્મચારીઓને ફરજ પર હાજર રેહવા સૂચનાઓ આપી દીધી છે. સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કામગીરી કરવા એલર્ટ કરી દીધા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય એવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે કામગીરીઓ થાય એવા આદેશો આપી દીધા છે. નવસારી જિલ્લાનો ૫૨ કિલોમીટર દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.

સુરતમાં સતત બીજા દિવસે અવિરત વરસાદ, અનેક ટ્રેનો મોડી પડી

સુરતમાં કાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત રહ્યો છે. વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે લોકોને નોકરી ધંધામાં જવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. મહાનગર પાલિકાએ તમામ તંત્રોને એલર્ટ કરી દીધાં છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. સુરત શહેરમાં ગઇકાલે ૬ કલાકમાં ૫ ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાવવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. શહેરના ગરનાળા બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ઠેર ઠેર ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે. વિવિધ સ્થળે મોનીટરીંગ ટીમો મુકવામાં આવી છે. દરિયા કિનારેના સ્થળે જેવા કે વલસાડ, સુરત ,નવસારીમાં ખાસ કંટ્રોલ રૂમ બનાવી દેવમાં આવ્યાં છે.  મહાનગર પાલિકાના તમામ કર્મચારીની રજા કેન્સલ કરવામાં આવી છે અને કંટ્રોલ રૂમ ન છોડવાનું કહેવામાં આવ્યું છે.

Previous articleટેકાના ભાવમાં વધારો ખેડૂતોની આવક વધારવા તરફનું પગલું : મંત્રી માંડવિયા
Next articleસેટેલાઈટ ગેંગરેપ : ત્રણેય આરોપીઓના નાર્કો ટેસ્ટને મેટ્રોપોલિટન કોર્ટે આપી મંજૂરી