ગાંધીનગરમાં આજે શિવગન ઇન્ફ્રાટેક પ્રેજન્ટ અને સ્માર્ટ પ્લસ ફિલ્મ એન્ડ ઇવેન્ટ દ્વારા ‘શરદ રાત્રી-૨૦૧૭’ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ-ગરબામાં ૨ હજાર દિવડાની આરતી કરવામાં આવશે. ગુરૂવારે સાંજે ૭થી ૧૦ વાગ્યા દરમિયાન ધ્રુવ ફાર્મ અને પાર્ટી પ્લોટ, ગીફ્ટ સિટી રોડ, શાહપુર ગાંધીનગર ખાતે યોજાનાર ‘શરદ રાત્રી-૨૦૧૭’ ગરબા મહોત્સવમાં જાણિતા કલાકાર અભિતા પટેલ અને અસલમ અને અસલમની જોડીના તાલે ખેલૈયા ગરબે ઘુમશે.
આ ઇવેન્ટમાં જાણિતા ફિલ્મ કલાકાર અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ દિલિપ જોષી અને ભવ્ય ગાંધી ઉપસ્થિત રહેવાના હોવાથી ખેલૈયાઓને મોજ પડી જવા સાથે ઉજવણી યાદગાર બની રહેવાની છે. સ્માર્ટ પલ્સ ફિલ્મ અને ઇવેન્ટના દિપકભાઇ વ્યાસ,વિક્રમભાઇ પટેલ અને હરેશભાઇ પારેખે જણાવ્યું હતું કે, શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે રાસ-ગરબાનું આયોજન કર્યું છે.
જેમાં રાજ્યના પૂર્વ ચિફ મિનિસ્ટર શંકરસિંહ વાઘેલા, ડેપ્યુટી મેયર દેવેન્દ્ર સિંહ ચાવડા, બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા, કૃષ્ણકાંત જ્હા અને શિવગન ઇન્ફ્રાટેકના ગનપત મંડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઇડરના નિષ્કલંક સેવા આશ્રમના ગુરૂજી જયેન્દ્રપુરીજી મહારાજ આશિર્વાદ આપવાના છે. ત્યારે નગરના ખેલૈયા શરદ પુનમની રાત ઢળે તેની જાણે રાહમાં છે. નવરાત્રી પૂર્ણ થયા પછી પણ ખેલૈયાઓને આ દિવસની રાહ હોય છે કેમ કે ગરબા ગાવા માટેનો આ દશમો અને છેલ્લો દિવસ હોય છે.