શંકરસિહના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં : તર્ક-વિતર્કો જારી

1264

ગુજરાતના રાજકારણમાં આજે નોંધાયેલા એક અતિ મહત્વના ઘટનાક્રમમાં પીઢ રાજકારણી અને એક જમાનાના ભાજપના દિગ્ગજ નેતા એવા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા રથયાત્રાના પાવન દિવસે ભાજપમાં વિધિવત્‌ રીતે જોડાઇ ગયા હતા. મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થતાં જ ગુજરાતના રાજકારણમાં જોરદાર પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને કોંગ્રેસની છાવણીમાં આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇ હવે વધુ ગડમથલ સર્જાઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજના દિવસે જ ભાજપમાં જોડાતા આજે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી હતી. લોકસભાની ચૂંટણી પૂર્વે બીજેપીએ ક્ષત્રિય વોટબેંક મજબૂત કરવા માટે વધુ એક પોલિટિકલ ઓપરેશન પાર પાડીને વધુ એક નેતાને પાર્ટીમાં લાવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહેન્દ્રસિંહ વાઘેલાને સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે. તેમને હાલના સાંસદ દીપસિંહ રાઠોડની જગ્યાએ ટિકીટ આપશે.  આ અંગે અમિત શાહે શંકરસિંહ વાઘેલાને વચન આપ્યું છે અને મહેન્દ્રસિંહે કમિટમેન્ટ સાથે જ બીજેપમાં પ્રવેશ કર્યો છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહેન્દ્રસિંહને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક ભાજપી નેતાઓ હાજર રહ્યા હતા. આ અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. પરંતુ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાત આગમન સમયે જ ભાજપમાં જોડાયા છે. ભાજપ મહેન્દ્રસિંહને લોકસભાની ચૂંટણી લડાવે એવી પણ સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહે ગત વર્ષના ઓગસ્ટ માસમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજેપીમાં પ્રવેશ  કર્યા બાદ મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પાર્ટી કહેશે તે કરીશ, કોંગ્રેસ ક્યારેય ઉભી થશે નહીં. આ પહેલા કોળી મતો અંકે કરવા બાવળિયાને લાવ્યા બાદ હવે મહેન્દ્રસિંહ વાઘેલાને પાર્ટીમાં લાવીને ક્ષત્રિય વોટબેંક મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. મહેન્દ્રસિંહના આવવાથી બીજેપીને ઉત્તર ગુજરાતમાં પણ ભાજપને ફાયદો થઈ શકે છે. એક પછી એક મોટા માથાઓ ભાજપમાં જોડાતાં કોંગ્રેસની ચિંતા આગામી લોકસભા ચૂંટણીને લઇને વધતી જાય છે., તેથી કોંગ્રેસે પણ હવે તેની રણનીતિ વ્યૂહાત્મક બનાવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.

Previous articleરાજુલા ન.પા.પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કોંગ્રેસનાં ૧૮ સભ્યોને સસ્પેન્ડ કરાયા
Next articleઅમદાવાદ : માનવ મહેરામણ વચ્ચે જગન્નાથજીની યાત્રા સંપન્ન