વિકાસથી વિપક્ષના મૂળિયા ઉખડી ગયા છે : રૂપાણી

789
guj9102017-5.jpg

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વડનગરમાં રોકાયા હતા. વડનગરમાં જાહેર કાર્યક્રમમાં તેઓ મોદી સાથે રહ્યા હતા. વડનગરના આંગણેથી આરંભ થયેલા મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ વેળા ઉપસ્થિત રહેલા રુપાણીએ કહ્યું હતું કે, વડનગરમાં નવી સરકારી મેડિકલ કોલેજ શરૂ થતાં ગુજરાતની આ કુલ ૮મી સરકારી કોલેજની શરૂઆત થઇ છે. આનાથી ઉત્તર ગુજરાતની ગ્રામીણ પ્રજાને આરોગ્ય અને શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઇ છે. તેમણે કહ્યું હતું કે, મોદીના બે દિવસના પ્રવાસ દરમિયાન ૧૨ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. મોદીએ વિકાસની રાજનીતિ કરીને વિરોધ પક્ષોના મૂળિયા ઉખેડી નાંખ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વડનગરમાં ટૂંક સમયમાં જ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શરૂ કરી દેવામાં આવનાર છે. કેન્દ્રસરકાર દ્વારા ગુજરાતના તમામ પ્રાણ પ્રશ્નોનો નિકાલ હવે થઇ રહ્યો છે.મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત સઘન રસીકરણ કાર્યક્રમના શુભારંભ થતાં દેશનું એક પણ બાળક રસીકરણથી વંચિત રહેશે નહીં તેવી વાત મુખ્યમંત્રીએ કરી હતી અને ગુજરાતના વિકાસ કાર્યોની ગતિને વધુ ઝડપથી આગળ લઇ જવાની તેમણે વાત કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન થયા બાદ મોદી ત્રણ વર્ષે માદરે વતન આવ્યા છે. જે ઉત્તર ગુજરાત અને વડનગર વાસીઓ માટે ગૌરવની વાત છે. રાજ્યમાં ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે રાજ્યોનો સર્વાંગી વિકાસ કર્યો હતો. આરોગ્યલક્ષી સેવાઓ અને શિક્ષણને હમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે. માદરે વતન આવતા મોદીને આવકારવા વડનગર સહિતના આસપાસના ગ્રામજનો ઉત્સાહિત દેખાયા હતા. તેમ જણાવીને ગુજરાતના આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous article નીતિન પટેલે મોદીની સભામાં લોકોને આપ્યા તેમના સ્વજનના સમ !
Next articleપર્યાવરણ બચાવોનાં થીમ સાથે પ્રિ-સ્કુલનાં બાળકોની વેશભુષા