તા.૧૦ ઓકટોબરે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લાના ધોળા જંકશન ગામે વેલનાથ દાદાની જગ્યા ખાતે ઠાકોર અને કોળી વિકાસ નિગમ, રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ નવી દિલ્હી અને યુનિસેફ ગુજરાત દ્વારા જનજાગ્રુતિ અને બાળલગ્ન નાબુદી અભિયાન સંમેલન યોજાયુ હતુ.
આ પ્રસંગે મંત્રી આત્મારામભાઈ પરમારે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યુ હતુ કે ગુજરાતના ઠાકોર અને કોળી સમાજના વિકાસને માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. છેવાડાના માનવીના બાળકના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે લોકોએ પણ આ યોજનાનો લાભ લેવો જોઈએ. વિજયભાઈ રૂપાણીની સરકારમા ઝડપી નિર્ણયો લેવાય છે. ઉચ્ચ શિક્ષણ માટે ગરીબ લોકોના સંતાનોને રૂપિયા ૧૦/- લાખ તથા વિદેશમા ઉચ્ચ અભ્યાસ અર્થે જનાર ને રૂપિયા ૨૦/- લાખની લોન આપવામા આવે છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના વાઈસ ચેરમેન ભુપતભાઈ ડાભીએ જણાવ્યુ હતું કે નિગમ દ્વારા લોન સહાય ફોર્મનું વિતરણ કરવામા આવે છે જેનો મોટી સંખ્યામા લોકોએ લાભ લેવો જોઈએ. નિગમના એમ.ડી. જશવંત ગાંધીએ મંત્રીને મોમેન્ટો અર્પણ કરી તેમનું સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તથા ધંધા રોજગાર અર્થે ચેક વિતરણ અને કીટ વિતરણ કરાયુ હતુ. દિકરા દિકરીને પુખ્ત ઉંમરે પરણાવવા અને બાળ લગ્ન અટકાવવાની પ્રતિજ્ઞા સમુહમા લેવાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડીરેકટર મંજુલાબેન ધાડવી, જિલ્લાના અગ્રણી શશીકાંત ભોજ, પેથાભાઈ આહિર, પ્રતાપભાઈ આહિર, જગદીશભાઈ ભીંગરાડીયા, સરપંચ ભરતભાઈ પરમાર, રંઘોળાના લોક સાહિત્યકાર ભરતદાન ગઢવી, અધિકારીઓ ડી. એચ. ભટ્ટ, જે. એ. વઢવાણા, એન. બી. ચૌહાણ, ડો. એચ. એફ. પટેલ, વેગડ, ઉમરાળાના તાલુકા વિકાસ અધિકારી, ઠાકોર અને કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.