દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને ર્નસિંગ મોબાઇલ વાનનો નીતિનભાઇ પટેલ દ્વારા પ્રારંભ

718
gandhi31102017-4.jpg

વયોવૃદ્ધ અને અશક્ત નાગરિકોને સ્થળ પર સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને ર્નસિંગ મોબાઇલ વાનનો આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ મોબાઇલ વાનનું નિરીક્ષણ કરી તેમાં ઉપલબ્ધ સુવિધાઓની રસપૂર્વક માહિતી મેળવી હતી. 
ગાંધીનગર કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ફિઝિયોથેરાપી અને ર્નસિંગ ફેકલ્ટી દ્વારા સેવાના હેતુથી શરૂ કરાયેલા આ નવીન આયામ દ્વારા ગાંધીનગરના આજુબાજુના ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ તેમજ ગામોમાં ફિઝિયોથેરાપી અને ર્નસિંગને લગતી સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું.
આ મોબાઇલ વાનમાં ચાર પ્રોફેસરો સહિત ફિઝિયોથેરાપી અને ર્નસિંગના વિદ્યાર્થીઓ ગામે ગામ જઇ ફિઝિયોરાપીની જરૂર હોય તેવા દર્દીઓને સ્થળ પર જ સારવાર આપશે. આ દર્દીઓ અંગે અગાઉથી સર્વે કરીને એક ચોક્કસ રૂટ પણ બનાવવામાં આવ્યો છે જેનાથી જરૂરિયાત મંદને સારવાર આપી શકાય. આ  મોબાઇલ વાન ફિઝિયોથેરાપી સંબંધિત સેવાઓ જેવીકે, ફિઝિયોથેરાપી અંગે જાગૃતિ, આરોગ્ય વિષયક કાળજી માટે ફિઝિયો થેરાપિસ્ટ સાથે દર્દીની મુલાકાત તેમજ આ પ્રકારના  રોગોની ઓળખ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય વિષયક વર્તન જેમાં ધ્રૂમ્રપાન છોડવું, વજન સંબંધિત અને શારીરિક પ્રવૃત્તિઓ ઉપર ભાર મુકાશે.
વધુમાં આ ફિઝિયોથેરાપી અને ર્નસિંગ મોબાઇલ વાનમાં પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘુંટણનો દુખાવો જેવા દર્દમાં વિવિધ સારવાર આપવામાં આવશે. આ આરોગ્યલક્ષી સેવા જે તે સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે ગાંધીનગર અને તેની આજુબાજુના ૩૬ જેટલા વૃદ્ધાશ્રમ-સ્વૈચ્છિક સંસ્થાઓ પસંદ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વટવા, પ્રાંતિજ, અડાલજ, ગાંધીનગર, મહુડી, કલોલ, લાંભા, માણસા, જૂના વાડજ, નાના કડી, અમદાવાદ અને સરખેજ જેવા સ્થાનોનો સમાવેશ થાય છે. આ લોકાર્પણ પ્રસંગે કડી સર્વ વિદ્યાલયના અધ્યાપકો, પ્રોફેસરો સહિત મોટી સંખ્યામાં ફિઝિયોથેરાપી અને ર્નસિંગની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. 

Previous articleઘ-રોડ પર હીટ એન્ડ રન : યુવાનનુ સ્થળ પર મૃત્યુ
Next articleHDFC બેંક દ્વારા રાજકોટ પોલીસ માટે સાઈબર ક્રાઈમ રિસ્પોન્ડર ટ્રેનિંગ વર્કશોપ