એસટી નિગમ દ્વારા દિવાળી નિમિત્તે રાજયભરમાં દોડાવાશે ૭૦૦ એકસ્ટ્રા બસ

901
gandhi14102017-2.jpg

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી દિવાળીના દિવસો તા.૧૪-૧૦થી તા.૧૮-૧૦ દરમ્યાન સુરત અને અમદાવાદ ખાતેથી પુર્વ ગુજરાત (દાહોદ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર) તરફ સૌરાષ્ટ્રના રત્નકલાકારો સહિતના પ્રવાસીઓ માટે સૌરાષ્ટ્ર તરફ તેમજ ઉત્તર ગુજરાત તરફ મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે આશરે ૭૦૦ એકસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવા નિગમે નિર્ણય કરેલ છે તેમ નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, એસટી નિગમના અમદાવાદ વિભાગ દ્વારા પણ ૩૦૦ જેટલા વધારાના વાહનોથી ખાસ કરીને પુર્વ ગુજરાત (દાહોદ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર) તથા સૌરાષ્ટ્ર તરફ (અમરેલી, ભાવનગર, જૂનાગઢ) માટે દરરોજ એકસ્ટ્રા સંચાલન હાથ ધરવા આયોજન કરેલ છે. એકસ્ટ્રા સંચાલનમાં મુસાફરો પાસેથી ૧.૬૫ ટકા જેટલું ભાડુ લેવામાં આવતું હતું જેમાં સરકાર દ્વારા ૪૦ ટકા રાહત આપી હવે ૧.૨૫ ટકા ના ધોરણે બસના એકસ્ટ્રા સંચાલનમાં મુસાફરો પાસેથી ભાડુ લેવાનો નિર્ણય કરેલ છે. જેનાથી મુસાફરોને લાભ થશે. એકસ્ટ્રા બસોના સંચાલન માટે ઓનલાઈન બુકીંગ થઈ શકે છે. આ સમયગાળા દરમ્યાન દરરોજ ૧૦થી ૧૨ જેટલી બસો અમદાવાદ, કૃષ્ણનગર, બાપુનગરથી સૌરાષ્ટ્ર તરફ સંચાલિત કરવાનો નિર્ણય થયેલ છે.

Previous articleરિયલ એસ્ટેટને જીએસટીની હદમાં લાવી શકાય : જેટલી
Next article આજે સુષ્મા સ્વરાજ ગુજરાતના પ્રવાસે : મહિલાઓ સાથે કરશે સીધો સંવાદ