અમદાવાદમાં રૂ. ૯૦૦ કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

719
gandhi17102017-3.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં રૂ. ૯૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ-ખાતમૂર્હત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભ્રષ્ટાચારના છીંડાઓ પૂરી દીધા છે. એટલા માટે જ વિકાસના કામોમાં પારદર્શીતા સાથે ગતિ-વેગ આવ્યા છે.
ભૂતકાળમાં કોંગ્રેસીઓના શાસનમાં દિલ્હીથી વિકાસકામો માટે મોકલાતા ૧ રૂપિયામાંથી ૮પ પૈસા કયાં ખવાઇ જતા, કોણ વચેટિયા હતા એ જનતા જનાર્દન સમક્ષ હવે ખૂલ્લુ પડી ગયું છે. ‘‘અમે તો ૧ રૂપિયો આવે તેની સામે સવા રૂપિયાનું વિકાસ કામ કરનારી સંસ્કૃતિના લોકો છીયે’’ એમ પણ મુખ્યમંત્રીએ વિકાસ વિરોધી વિપક્ષને આડે હાથ લેતાં જણાવ્યું હતું. 
વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાપાલિકા દ્વારા નિર્મિત ફલાય ઓવરબ્રીજ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ અને ૪ બ્રીજના ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા. 
તેમણે આ અવસરે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાની સુવિધા માટે નવી ખરીદાયેલી પ૭પ બસ પૈકી ૪૦ બસને ફલેગ ઓફ પણ કરાવ્યો હતો. નવનિયુકત કંડકટરોને નિમણૂંક પત્રો આ વેળાએ મુખ્યમંત્રીએ અર્પણ કર્યા હતા. 
સમગ્ર દેશમાં ગુજરાતના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે યુરો-૪ બસ સુવિધા પેસેજર્સને આપવાનું ગૌરવ મેળવ્યું છે. આના પરિણામે પ્રદૂષણ નિયંત્રણ સાથે જ ઇંધણ કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. 
મુખ્યમંત્રીએ ગુજરાતમાં બેરોજગારી છે તેવા વિપક્ષી યુવા નેતા રાહુલ ગાંધીના આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં કહ્યું કે, એક જ વર્ષમાં ૭ર હજારને નોકરી અને ભરતી કેલેન્ડરથી મેનપાવર પ્લાનીંગ અમે કર્યુ છે. ભૂતકાળમાં કોંગ્રેસી મુખ્યપ્રધાનના સમયમાં ભરતી પર પ્રતિબંધ લાદીને ર૦ ટકા જગ્યાઓ નાબૂદ-એબોલિશ કરી દઇ યુવાઓને બેરોજગાર રાખવાનું પાપ તેમણે કર્યુ હતું એ રાહુલ ગાંધી કેમ ભૂલી જાય છે? તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. એસ.ટી. નિગમ સહિત પોલીસદળ અને અન્ય સરકારી વિભાગોમાં એક જ વર્ષમાં ૭ર હજારથી વધુ રોજગાર અવસરો સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી આ સરકારે આપ્યા છે. ખાનગી ક્ષેત્રે ૧૦ લાખ જેટલી રોજગારી પૂરી પાડી છે. 
વિકાસના કામોમાં કયાંય નાણાંની કચાશ અમે રાખવાના નથી. જ્યાં માનવી ત્યાં સુવિધાના ભાવ સાથે પાણી, રસ્તા, ગટર, બ્રીજ જેવા જનસુખાકારીના કામોને અગ્રતા આપી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પીવાના પાણી માટે સવા લાખ કિ.મીટર લાંબુ વોટરગ્રીડ નેટવર્ક ધરાવતું ગુજરાત દેશનું વિકાસ રોલ મોડેલ બન્યું છે.