ધંધુકા-ધોલેરા માર્ગ પર અવર લોડ વાહનોની અવર-જવરથી અકસ્માતોની સંખ્યામાં વધારો

1322

સુરેન્દ્રનગરના સાયલાથી ધોલેરા એલ એન્ડ ટીમાં ગ્રીટ, કપચી ઠાલવતા ઓવરલોડ ડમ્પરો છેલ્લા એક સપ્તાહમાં પાંચ ડમ્પરો પલ્ટી મારવાના બનાવો નોંધાવા પામ્યા છે. એક અંદાજ પ્રમાણે ઉપરોક્ત ડમ્પરો ૩૦ થી ૪૦ ટન માલ વહન કરી જતા હોય છે. તો વળી ઓવરલોડ ડમ્પરોના કારણે ધંધુકા થી ધોલેરા જતા ડાબી બાજુનો રોડ બેસી જવા પામ્યો છે. મસમોટા ખાડાઓથી ખાબડ-ખુબડ યાને સમગ્ર રોડ ડિસ્કો પુટ બની જવા પામ્યો છે તેમાં પણ ડમ્પર ચાલકો બેફામ વાહન હંકારી જતા અકસ્માતો સર્જાવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે.

આરટીઓના નીતિ-નિયમોને નેવે મુક ડમ્પર માલિકો પોતાની ધોરાજી ચલાવી રહ્યાં છે તો વળી સ્થાનિક કક્ષાએ ધંધુકા-ધોલેરા પોલીસ ડીપાર્ટમેન્ટ પણ આવા વાહનોને બેરોકટોક ચાલવા દે છે. કાયદો-વ્યવસ્થાના ભાગરૂપે આવા વાહનો સામે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી. અગાઉ ધોલેરા-રાહતળાવ રોડ પર એક માલધારી અને ભેંસને ટક્કરે લેતા બન્નેનું મૃત્યુ થવા પામ્યુ હતું છતાં તંત્ર મુકપ્રેક્ષક બનીને શા માટે જોઈ રહ્યું છે ? તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે. આ રોડ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો અને ફોરવ્હીલ ચાલકો પણ ઓવરલોડ યમદુતરૂપી ડમ્પરોને જોઈ થંભી જાય છે તેવી સ્થિતિ છે ત્યારે તંત્ર આવા ઓવરલોડ અને બેફામ ચાલતા ડમ્પરો સામે નીયમોનું પાલન ક્યારે કરાવે છે તે હવે જોવું રહ્યું.