સ્વાઇન ફલુનો કહેર : વધુ આઠ દર્દીનો ભોગ લેવાયો

718
guj392017-9.jpg

રાજયમાં સ્વાઇન ફલુની પરિસ્થિતિ ભયાનક અને ચિંતાજનક બની ગઇ છે, રોજેરોજ મૃત્યુઆંક અને સ્વાઇન ફુલ પોઝીટીવના કેસો ખતરનાક રીતે વધી રહ્યા છે તેમછતાં સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં સ્વાઇન ફલુના કારણે વધુ આઠ દર્દીઓના મોત નીપજયા છે, જયારે સ્વાઇન ફલુ પોઝીટીવના અંદાજે ૧૫૨થી વધુ નવા કેસો નોંધાયા છે. સ્વાઇન ફલુના કારણ આજે રાજયમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં ચાર અને સૌરાષ્ટ્રમાં ત્રણ દર્દીઓના મોત નોંધાયા હતા. જયારે વડોદરામાં એક યુવકનું મોત નોંધાયું હતું. આ સાથે જ રાજયભરમાં સ્વાઇન ફલુના કારણે કુલ મૃત્યુઆંક ૩૬૬ ને આંબી ગયો છે.સ્વાઇન ફલુના કારણે અમદાવાદમાં આજે  ચાર દર્દીઓના મોત ઉપરાંત  સૌરાષ્ટ્ર પંથકમાં જામનગર, ગીર-સોમનાથ અને જેતપુરની મળી કુલ ત્રણ મહિલાઓએ સ્વાઇન ફલુના કારણે જીવ ગુમાવ્યો હતો. શહેર સહિત રાજયભરમાં સ્વાઇન ફલુના કુલ ૫૩૭૨ કેસો નોંધાયા છે.