આજે લાભપાંચમ : બજારો ધમધમતી થશે

809
bhav24102017-3.jpg

દિવાળી બાદ નવા વર્ષની રજાઓ બાદ હવે આવતીકાલ લાભપાંચમથી છેલ્લા ચારેક દિવસથી બંધ રહેલી બજારો ફરીથી ધમધમતી થશે. વેપારીઓ અને દુકાનદારો તેમજ ફેક્ટરીઓમાં મુર્હુત કરી વેપાર-ધંધાની શરૂઆત કરવામાં આવશે અને ફરીથી વેપાર-ધંધા નિયમિત થશે.
દિવાળી પૂર્વે પંદરેક દિવસથી વેપારીઓ અને દુકાનદારો દ્વારા સતત વેપાર-ધંધાની ભાગદોડ બાદ નવા વર્ષથી ધંધા-રોજગારમાં મોટાભાગે રજાઓ રાખી હતી અને પાંચમથી મોટાભાગના વેપારીઓ તેમજ દુકાનદારો મુર્હુત કરી વેપાર-ધંધો શરૂ કરતા હોય છે ત્યારે આવતીકાલે મંગળવારે લાભપાંચમ હોય વેપારીઓ અને દુકાનદારો સહિત ફેક્ટરીઓ, કારખાનાઓ વેપાર-ધંધાનું મુર્હુત કરશે અને ફરીથી ધંધા-રોજગાર નિયમિત થશે. મોટાભાગે કંપનીઓના સેલ્સમેનો પણ વેપાર-ધંધાના સ્થળે વેપારીઓ પાસે મુર્હુતનો ઓર્ડર લેવા આવતા હોય છે અને લગભગ દરેક વેપારીઓ મુર્હુતમાં થોડી-ઘણી ખરીદી કરતા હોય છે. જો કે, આ વર્ષે દિવાળીમાં વર્તમાન મંદીના કારણે વેપારીઓને પ૦ ટકા જેટલો માલ પણ વેચાયો ન હોય મુર્હુતમાં ઓર્ડર કરવો કે નહીં તેવી મુંજવણ પણ થઈ રહી છે. આગામી દિવસોમાં લગ્નગાળાની સિઝન શરૂ થવાની હોય તેમાં ઘરાકી નિકળશે તેવી આશાઓ પણ વેપારીઓ સેવી રહ્યાં છે.