નરેન્દ્ર અને વરૂણ પટેલ વચ્ચે વાતનો ઓડિયો વાયરલ થયો

1145
guj27102017-10.jpg

વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ દ્વારા એક કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ કરનાર મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે  આ કેશકાંડ સંદર્ભે તેમની અને વરૂણ પટેલ સાથે થયેલી વાતચીતની ઓડિયો કલીપ વાયરલ કરી હતી, જેને પગલે ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાતચીતનો ઓડિયો લીક થયા બાદ અને મચેલા ઉહાપોહને પગલે પાસના પૂર્વ કન્વીનર અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલનો મોબાઇલ ફોન પણ સતત સ્વીચ ઓફ આવતો હતો. નરેન્દ્ર પટેલ અને વરૂણ પટેલની વાતચીતની ઓડિયો લીક થતાં ભાજપની ઇમેજને વધુ એક જોરદાર ફટકો પડયો છે. વાતચીતમાં વરૂણ પટેલ મહેસાણાના પાસના નેતા નરેન્દ્ર પટેલને ૬૦ અને ૪૦ ટકા રકમ આપવાની વાત કરતા સંભળાય છે. વરૂણ પટેલ પત્રકાર પરિષદ દરમ્યાન પાંચ કાર્યકરોને પણ સાથે રાખવા નરેન્દ્ર પટેલને આગ્રહ કરતા સંભળાય છે.
 વરૂણ પટેલ બીજી  કોઇ ચિંતા નહી કરવા અને બધી જવાબદારી તેમની રહેશે એમ કહેતા પણ ઓડિયોમાં સંભળાય છે. બીજીબાજુ, નરેન્દ્ર પટેલે દાવો કર્યો હતો કે, આ ઓડિયોમાં તેમનો અને વરૂણ પટેલનો જ અવાજ છે, તેઓ કોઇપણ તપાસ માટે તૈયાર છે. વરૂણ પટેલમાં તાકાત હોય તો પુરાવા સાથે આવી જાય ન્યાયની અદાલતમાં. ઉલ્લેખનીય છે કે, મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર કોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પાસના પૂર્વ કન્વીનર અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ, ભાજપના યુવા નેતા  ઋત્વિજ પટેલ, ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા, મહેશ પટેલ અને રવિ પટેલ વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદના કેસમાં કોર્ટે તપાસના આદેશો કર્યા અને કોર્ટે ફરિયાદી નરેન્દ્ર પટેલને ઓડિયો રેકોર્ડિંગ, લાંચ પેટે અપાયેલા દસ લાખ રૂપિયા સહિતના જરૂરી પુરાવા તા.૩જી નવેમ્બરે રજૂ કરવા તાકીદ કરી હતી. મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટ સમક્ષ કરેલી ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા હતા કે, ભાજપ દ્વારા તેમના પક્ષમાં મને જોડાઇ જવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરાઇ હતી. મને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના ત્યાં લઇ જવાયો હતો, ત્યાંથી મને ગાંધીનગર કમલમ્‌ ખાતે ભાજપના કાર્યાલય ખાતે લઇ જવાયો હતો. જયાં જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના અન્ય નેતાઓ હાજર હતા. તેઓની સાથે મારી મુલાકાત કરાવાઇ હતી અને પછી મને અંદરના એક રૂમમાં લઇ જવાયો હતો. મારો એક કરોડ રૂપિયામાં સોદો કરાયો હતો. તે પેટે મને દસ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, આવતીકાલે ભાજપનું ટાઉન હોલ કે ટાગોર હોલમાં સંમેલન છે અને ત્યાં તમારે ભાજપમાં જોડાઇ જવાનું છે. બાકીના રૂ.૯૦ લાખ તમને મળી જશે. આટલુ કહી પ્રેસ મીડિયાને બોલાવી મને ભાજપમાં જોડાઇ જવાનું બોલાવડાવ્યું હતું અને ધમકી આપી ભાજપનો ખેસ પહેરાવાયો હતો. ફરિયાદી નરેન્દ્ર પટેલ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કાયદાકીય જોગવાઇ હેઠળ સખત નશ્યત કરવા ફરિયાદમાં દાદ મંગાઇ છે.