ગુસ્તાખી માફ

916

પાટીદારની બે સંસ્થાઓ અને લોકોનું સમર્થન જોતાં ભાજપ નેતાગીરીની ઉંઘ હરામ થઈ
હાર્દિક પટેલના ઉપવાસના દાવને નિષ્ફળ બનાવવા માટે ગુજરાતની ભાજપ સરકારે પણ પૂરી તાકાત લગાવી દીધેલી. પહેલાં તો હાર્દિકને આમરણાંત ઉપવાસની મંજૂરી જ ના મળેે એવો પાકો બંદોબસ્ત કરી દેવાયો ને સરકારી તંત્રનો ઉપયોગ કરીને હાર્દિક પટેલના ઉપવાસના સ્થળને મંજૂરી જ ના આપી. હાર્દિક પટેલ જાહેરમાં ઉપવાસ કરે નહીં ને કોઈ બખેડો થાય નહીં. એ પછી હાર્દિકના ઉપવાસમાં બહારથી આવનારા લોકોને રોકવાનો બંદોબસ્ત કર્યો ને એ રીતે બાકીનું બધું પૂરું કરી નાંખ્યું. તેના કારણે હાર્દિકના ઉપવાસના શરૂઆતના દિવસોમાં ઝાઝું લોક આવ્યું નહીં ને ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયેલો. હાર્દિકના ઉપવાસ આગળ વધતા હતા ત્યારે પણ સ્થિતિમાં બહુ સુધારો નહોતો ને પહેલા અઠવાડિયામાં હાર્દિકને જે પ્રતિસાદ મળ્યો તેના કારણે એવું લાગતું હતું કે આ વખતે હાર્દિકનું આંદોલન ફુસ્સ થઈ ગયું.
હાર્દિક પટેલમાં માણસ એકઠું કરવાની તાકાત છે અને ગુજરાતમાં પાટીદારોની નવી પેઢી હાર્દિક પટેલ સાથે છે તેવી છાપ છે. પાટીદાર જુવાનિયાં માટે હાર્દિક હીરો છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિક સતત તેમની સાથે સંવાદ કરતો રહે છે તેથી એ બધા તેની સાથે જોડાયેલા છે. હાર્દિકની નાની નાની સભાઓમાં પણ હજાર માણસ તો રમતાં રમતાં થઈ જાય છે એ જોતાં હાર્દિકના આમરણાંત ઉપવાસમાં પાટીદારો ઊમટી પડશે એવી ધારણા હતી પણ પહેલા અઠવાડિયામાં બહુ લોકો ના આવ્યાં તેથી વખાણેલી ખીચડી દાંતે વળગી એવો ઘાટ થઈ ગયાનું લાગતું હતું.
ભાજપવાળા પણ આ બધું જોઈને ખુશ હતા ને હાર્દિક પટેલની હવા નીકળી ગઈ એમ માનીને હરખાતા હતા ત્યાં અચાનક જ પવન બદલાયો છે. છેલ્લા કેટલાક દિવસથી અચાનક જ હાર્દિક પટેલને સમર્થન મળવાની શરૂઆત થઈ ને નાનાં નાના ગામડાંમાં લોકોએ હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન કરવાની ને ભાજપને ભાંડવાની શરૂઆત કરી. ગુજરાતમાં પાટીદારોની બે સૌથી મોટી ધાર્મિક સંસ્થા ઉંઝાની ઉમિયા માતા સંસ્થાન અને ખોડલધામે હાર્દિક પટેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું.આ બંને સંસ્થાઓ ભાજપ સામે પડવાની હિંમત બતાવે તેનો અર્થ એ થાય કે પાટીદાર સમાજમાં ફરી એક વાર અંદરખાને હાર્દિકની તરફેણમાં સહાનુભૂતિનું મોજું પેદા થઈ ગયું છે. પાટીદારોએ અંદરખાને દબાણ શરૂ કર્યું તેમાં આ બંને ધાર્મિક સંસ્થાઓના કારભારીઓએ હાર્દિકને ટેકો આપવો પડ્યો છે એ દેખીતું છે. બાકી હાર્દિક તો અગિયાર દાડાથી ઉપવાસ પર બેઠેલો છે ને બે મહિના પહેલાં તેણે ઉપવાસ કરવાનું એલાન કરેલું. તેની વાત સ્પષ્ટ હતી ને તેના મુદ્દા પણ સ્પષ્ટ હતા તો પાટીદાર આગેવાનોને પહેલાં હાર્દિક સાચો છે એ બ્રહ્મજ્ઞાન કેમ નહોતું થયું ?
———-
લોકશાહીમાં અધિકારથી રોકવા એટલે હીરો થવું : હાર્દિકને રાષ્ટ્રીય નેતા બનાવવામાં ભાજપનો મોટો હાથ
ભારત એક લોકશાહી દેશ છે અને લોકો સર્વોપરી છે. તે વાત કદાચ ભાજપા અને તેની સરકાર ભૂલી ગઈ છે. પોતે વિપક્ષમાં હતો અને કોંગ્રેસની સત્તા હતી ત્યારે વિરોધ કરવામાં કોઇ પણ મણા રાખી ન હતી અને આજે સત્તાની લગામ ભાજપના હાથમાં છે ત્યારે તે લોકોની સર્વોપરી ભૂલીને પોતેજ પૂર્ણ પુરૂષોતમ છે તેવું માનવા લાગ્યો છે. પોતે કહે તેજ સાચુ એ ખ્યાલોમાંથી ભાજપા અને તેની નેતાગીરીને બહાર આવવું જરૂરી છે નહીતો એક દિવસ લોકોની સર્વોપરીતા શાન ઠેકાણે લાવી દેશે તે નિશ્ચિત છે અને આ માટે દૂરના સમયમાં જવાની જરૂર નથી. પ્રજાએ કોંગ્રેસની શાન ઠેકાણે લાવવા વિપક્ષમાં બેસાડી દીધી છે એ દાખલો જ ઘણો છે. હવે કોંગ્રેસે બતાવેલ ફોર્મ્યુલા ૨૦% આર્થિક અનામતની માંગ સ્વિકારી લેવી જોઈએ. તે સાથે ઉદ્યોગોને જે રીતે લોનો માફ કરી તેરીતે માત્ર ખેતી કરતા ખેડુતોની જ લોન માફ કરી દેવી જોઈએ તેમ લોકોનું માનવું છે.
આગામી ચુંટણીઓમાં ધર્મ-જાતિને આકર્ષવા રાજકીય પાર્ટીઓ વચ્ચે હોડ લાગવાની છે
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હમણા જ કૈલાસ માનસરોવરની યાત્રા કરી આવ્યા અને જો નસીબમાં હોય, બાબાએ બોલાવ્યા હોય તો જ કૈલાસના દર્શન કરી શકાય તેમ જ હું ધન્ય થઈ ગયો તેવા વિધાનો કરી નાખ્યા. આ પહેલાં રાહુલ ગાંધીએ કેદારનાથ મંદિરની યાત્રા પણ કરી હતી. ગુજરાતની ચૂંટણી સમયે તો તેમણે ગુજરાતના પ્રસિદ્ધ એવા એક પણ મંદિરના દર્શન કરવાનું બાકી રાખ્યું ન હતું. રાહુલ ગાંધીની જેમ જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની મંદિર યાત્રાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મોદીએ પણ તાજેતરમાં જ કેદારનાથ મંદિરની યાત્રા કરી હતી. આમેય મોદી પોતે ઉપવાસ-અનુષ્ઠાન કરતા હોય તેવા ફોટાઓ કે માહિતીઓ સાશિયલ મીડિયામાં તુરત જ પ્રસિદ્ધ કરી દેતા હોય છે. આમ કરીને મોદી પોતાની હિન્દુત્વની ઈમેજ કાયમ રાખવામાં સફફ્ર થયા છે. હવે મોદી અને રાહુલ વચ્ચે દોડ જામી છે. બેમાંથી કોણ પ્રખર હિન્દુ? માત્ર રાહુલ અને મોદી વચ્ચે નહીં પરંતુ તેમના પક્ષ વચ્ચે પણ હિન્દુઓના મત અંકે કરવા માટે સવાયા હિન્દુ બનવાની કવાયત ચાલુ છે. આમ તો ભારતમાં રહેતા અને હાલ સુધી બીજા નાગરિકનો દરજ્જો ભોગવનારા હિન્દુઓ માટે તો આ સારી વાત છે. આજે દેશના બે સોથી મોટા અને મહત્ત્વના ગણાતા બંને પક્ષ હિન્દુ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે એ આ દેશના હિન્દુઓ માટે ખરેખર અચ્છે દિન સાબિત થઈ રહ્યું છે.
હવે હિન્દુ કે મુસલમાન કે જાતિવાદને બાજુએ મૂકીએ તો શું ૨૦૧૯માં જાતિવાદ રાજકારણ જ રંગ લાવશે? કોઈ એક પક્ષ ક્યાં સુધી કોઈ એક જાતિ કે ધર્મના આધારે ચૂંટણીઓ જીતતો રહેશે? વિકાસ, રોજગાર, પ્રગતિ જેવા મુદ્દાઓ પર રાજનીતિ નહીં જ ટકી શકે? હાલ તો નથી જ લાગતું. જે રીતે ભાજપ અને કૉંગ્રેસ રાજકારણ રમી રહ્યા છે તે જોતાં તો નહીં જ. હાલમાં જ એસસી-એસટી એક્ટમાં સુધારાના પ્રયાસ સામે જે રીતે સવર્ણોએ આંદોલન હાથ ધર્યું છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે આપણે દિવસે ને દિવસે પછાત થઈ રહ્યા છીએ. અને રાજકીય સંસ્થામાં જાણે ધર્મ-જાતિના નામે આગળ થવાની હોડ લાગી છે.

Previous articleતા.૧૦-૦૯-ર૦૧૮ થી ૧૬-૦૯-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય
Next articleએથલિટ પીટી ઉષા પર ફિલ્મ  કરવા પ્રિયંકા ચોપડા સુસજ્જ