ચૂંટણી પહેલા ૨૬/૧૧ જેવા હુમલાની આશંકા

704
guj28102017-9.jpg

ઓક્ટોબર માસમાં પાકિસ્તાનના સુરક્ષાદળોએ મેરીટાઈમ ઈન્ટરનેશનલ બોર્ડર પર ભારતીય માછીમારો આઈડી કાર્ડ અને દસ્તાવેજ છીનવી લીધા છે. જેને કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ૨૬-૧૧ જેવા આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતા ગુજરાત પર ફરી એકવાર પાકિસ્તાનથી ૨૬-૧૧ના આતંકી હુમલાની ઢબે હરકત કરવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાની સુરક્ષાદળોએ ઓક્ટોબર માસમાં ગુજરાત સાથેની મેરીટાઈમ ઈન્ટરનેશનલ બોર્ડર પાસેથી ૪ ભારતીય માછીમારોની બોટ જપ્ત કરી લીધી હતી.
ભારતીય માછીમારોના ઓળખના સાધનો અને દસ્તાવેજો પણ પાકિસ્તાની મરીન્સે છીનવી લીધા છે. જેને કારણે ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીએ આતંકી હુમલાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
સૂત્રો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતને નિશાન બનાવવા માટે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ દરિયાઈ માર્ગે આતંકવાદીઓને મોકલે તેવી શક્યતાઓ છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર કેમ્પેનર હશે.
સૂત્રો મુજબ આ સપ્તાહે પોરબંદર પાસેથી ચાર બોટ પાકિસ્તાની સરહદ પાસે દરિયામાં માછીમારી માટે ગઈ હતી. આ માછીમારોને પાકિસ્તાનની મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીએ ઝડપી લીધા હતા અને તેમના વિશિષ્ટ ઓળખ ઉપકરણ અને ઓળખ પત્ર છીનવી લીધા છે. તેમનું કહેવું છે કે વિશિષ્ટ ઓળખ ઉપકરણને અન્ય કોઈ બોટ પર લગાવી શકાય છે અને આવી બોટને ભારતીય ઓળખ મળી જશે. તેની મદદથી આતંકવાદી ભારતીય સમુદ્રી સરહદમાં પ્રવેશ કરવા સક્ષમ બનશે.
ભારત અને પાકિસ્તાનની મેરીટાઈમ એજન્સીઓ નિયમિત સમયગાળામાં એકબીજાની બોટ્‌સને જપ્ત કરવાની કાર્યવાહી કરે છે. કારણ કે સિરક્રિક પાસે અરબી સમુદ્રમાં જળસીમા સ્પષ્ટ નથી અને ઘણી બોટ્‌સની પાસે લોકેશનની ચોક્કસ જાણકારી આપી શકે તેવા ઉપકરણો હોતા નથી.
સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની મરીન એજન્સીએ માછીમારોના ઓળખ પત્ર અને રજિસ્ટ્રેશન પેપર જપ્ત કરવાની કાર્યવાહી શંકા ઉપજાવનારી છે. ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા રાજ્યમાં રેલીઓને સંબોધિત કરવાના છે.
યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારકા સહીતના તટવર્તી વિસ્તારોમાં જાહેરસભાઓને સંબોધિત કરવાના છે. જેને કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે. સૂત્રો મુજબ પાકિસ્તાની એજન્સીઓએ પહેલા પણ આંતરરાષ્ટ્રીય સરહદે માછીમારોની બોટ્‌સ જપ્ત કરી છે. પરંતુ ભાગ્યે જ ઘેરા સમુદ્રમાં યુઆઈડી અને ઓળખના દસ્તાવેજો છીનવ્યા છે.
નવેમ્બર-૨૦૦૮માં મુંબઈ પર હુમલો કરવા માટે આતંકવાદીઓએ માછીમારી કરનારી એમવી કુબેરને હાઈજેક કરી લીધી હતી. આ ઘટના બાદ માછીમારોને યુઆઈડી અને બાયોમેટ્રિક કાર્ડ ઈસ્યૂ કરવાનું શરૂ કરાયું હતું. યુઆઈડીને કારણે મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીઓને માછીમારોની ઓળખ કરવામાં સરળતા રહે છે. દરરોજ માછીમારી આપવાના ઉદેશ્યથી સેંકડો બોટ્‌સ સમુદ્રમાં જાય છે. ગુપ્તચર એજન્સીઓએ ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે અને આના સંદર્ભે પાકિસ્તાની મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી સાથે પણ વાતચીત કરવામાં આવશે.